ભારતની આ નદી છે એકદમ ‘કાચ’ જેવી, ઊંડે સુધી પથ્થરો પણ સ્પષ્ટ દેખાય છે, જાણો તેની વિશેષતા

ભારતની આ નદી છે એકદમ 'કાચ' જેવી, ઊંડે સુધી પથ્થરો પણ સ્પષ્ટ દેખાય છે, જાણો તેની વિશેષતા
ભારતની આ નદી છે એકદમ 'કાચ' જેવી, ઊંડે સુધી પથ્થરો પણ સ્પષ્ટ દેખાય છે, જાણો તેની વિશેષતા

દેશના મોટાભાગના શહેરોમાં ગરમી વધી રહી છે ત્યારે ઘણા લોકો ઠંડી અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેતા હોય છે. એવામાં આ સમયમાં દેશમાં ઉતર પૂર્વ રાજ્યોની મુલાકાત લઈને તેની સુંદરતા માણવાની મજા જ કંઇક ઔર છે. આમ તો આ વિસ્તારના દરેક રાજ્ય પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો છે, પણ આજે વાત કરવાની છે મેઘાલયની એવી નદીની કે જેને સૌથી સ્વચ્છ નદીનો દરજ્જો મળ્યો છે. 

આ નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે જો આ નદી પર તમે હોળી પણ ચલાવો છો તો તમને એવું લાગશે કે તમે કાચ પર હોળી ચલાવી રહ્યા છો. આ નદીનું નામ ઉમંગોટ નદી છે, તેમજ તેને ડોકી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી ખૂબ જ સુંદર, શાંત અને ક્રિસ્ટલ ક્લીયર છે. ડોકી મેઘાલયમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું એક નાનું શહેર છે. તે પૂર્વ ખાસી પહાડી જિલ્લાના એક ગામ માવલીનોંગની નજીક છે અને તેને 2003માં એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકેની ઓળખ આપવામાં આવી હતી.  

બાંગ્લાદેશના ડોકીમાંથી આ નદી વહે છે. તેમજ જૈનતિયા અને ખાસી ટેકરીઓને તે બે ભાગમાં વહેંચે છે. ઉમંગોટ નદી મેઘાલયના ત્રણ ગામો દાવકી, દારંગ અને શેનાનડેંગમાંથી વહે છે. આ ત્રણ ગામોમાં 300 થી વધુ મકાનો છે. ખાસી સમુદાયના લોકો આ નદીને સાફ કરવા માટે ભેગા થાય છે. ખાસી અહીંનો મુખ્ય આદિવાસી સમુદાય છે. ઉમંગોટને ભારતની સૌથી સ્વચ્છ નદીઓમાંની એક માનવામાં આવે છે અને માછીમારો માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં નદી પર એક સ્વિંગ બ્રિજ બનેલો છે, જેને ડોકી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે.  

ખાસી સમુદાયના લોકો દરરોજ નદીઓની સફાઈમાં ફાળો આપે છે. નદીઓને સ્વચ્છ રાખવાની પરંપરા અહીં લાંબા સમયથી ચાલી આવે છે. હાલમાં જે લોકો નદીઓની સફાઈ કરે છે, તેમના પૂર્વજો પણ સ્વચ્છતાને પોતાનો સંસ્કાર માનીને આમ કરતા હતા. એક મહિનામાં ત્રણથી ચાર દિવસ કમ્યુનિટી ડે નક્કી કરવામાં આવે છે. જેમાં ગામના દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ સફાઈ કામમાં મદદ કરે છે. આ ઉપરાંત અહીં ગંદકી ફેલાવવા માટે 5000 રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. નવેમ્બર અને એપ્રિલની વચ્ચે, પ્રવાસીઓ અહીં બોટિંગ અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણવા આવે છે.