ગુજરાતના 25% વિદ્યાર્થી નવી શિક્ષણ નીતિથી અજાણ, ઘણાંના મતે જે ભણીએ છીએ તેનાથી નોકરી નથી મળતી

ગુજરાતના 25% વિદ્યાર્થી નવી શિક્ષણ નીતિથી અજાણ, ઘણાંના મતે જે ભણીએ છીએ તેનાથી નોકરી નથી મળતી
ગુજરાતના 25% વિદ્યાર્થી નવી શિક્ષણ નીતિથી અજાણ, ઘણાંના મતે જે ભણીએ છીએ તેનાથી નોકરી નથી મળતી

 ગુજરાતમાં એનઈપી(ન્યૂ એજ્યુકેશન પોલિસી) એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલને એક વર્ષ પૂરુ થવા જઈ રહ્યુ છે.નવી શિક્ષણ નીતિ શિક્ષણના ક્ષેત્રમાં ગેમ ચેન્જર પૂરવાર થશે તેવો દાવો થઈ રહ્યો છે.

ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ  નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસક્રમ પણ ભણવા માંડયા છે પરંતુ આ શિક્ષણ નીતિ અંગે હજી પણ તેમનામાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓ આ અંગે કેટલી જાણકારી ધરાવે છે અને તેમનો કયા પ્રકારનો દ્રષ્ટિકોણ છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના અધ્યાપક ડો.જ્યોતિ અચંતા અને ગાંધીનગરની એક ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર અને ડિરેકટર ડો.કિશોર ભાનુશાળીએ એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી સહિતની ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા ૪૫૬ વિદ્યાર્થીઓનો એક સર્વે હાથ ધર્યો હતો.


આ સર્વેમાં સામે આવેલી જાણકારી પ્રમાણે ૨૫ ટકા વિદ્યાર્થીઓને તો નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંગે જાણકારી જ નથી.જ્યારે ૪૩ ટકા જેટલા વિદ્યાર્થીઓ એનઈપીનુ ફુલ ફોર્મ પણ જણાવી શક્યા નહોતા.

ડો.અચંતા કહે છે કે, ૭૪ ટકા જેટલા વિદ્યાર્થીઓએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે પણ વિદ્યાર્થીઓમાં આ નીતિના વિવિધ પાસા અંગે જાણકારીનો અભાવ છે.ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં કાં તો યોગ્ય રીતે શિક્ષણ નીતિ માટે જાગૃતિ લાવવા અભિયાન હાથ નથી ધરાયા અથવા તો વિદ્યાર્થીઓએ તેને લગતી ઈવેન્ટસમાં હાજરી નથી આપી.અમારા સર્વેમાં માત્ર ૨૩ ટકા જ વિદ્યાર્થીઓએ કોલેજ કે યુનિવર્સિટી સ્તરે શિક્ષણ નીતિની માહિતી મેળવવા માટેની ઈવેન્ટમાં હાજરી આપી હોવાનુ કહ્યુ હતુ.મોટા ભાગના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા, અખબારો- ન્યૂઝ ચેનલો અને મિત્રો થકી તેના અંગે જાણકારી મળી હતી.

સર્વેક્ષણ કરનારા અધ્યાપકોના જણાવ્યા અનુસાર  રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાઓ જેમ કે , મલ્ટીપલ એન્ટ્રી-મલ્ટીપલ એક્ઝિટ, ક્રેડિટ બેન્ક, વોકેશનલ એજ્યુકેશન, ઈન્ટરડિસિપ્લિનરી ટ્રાન્સફર અંગે પણ  માહિતી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકા કરતા ઓછી હતી.

શિક્ષણ નીતિના વિવિધ પાસા અંગે  કેટલા ટકા વિદ્યાર્થીઓને જાણકારી નથી

–વોકેશનલ એજયુકેશન અંગે જાણકારી નહીં ધરાવતા  વિદ્યાર્થીઓની સંખ્યા  ૩૦ ટકા

–મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન અંગે જાણતા ના હોય તેવા વિદ્યાર્થીઓ ૨૮ ટકા

–૨૮ ટકાને મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ એટલે કે ગમે ત્યારે કોર્સ છોડી શકાય છે અને છોડયા પછી ગમે ત્યારે ભણવાનુ પાછુ શરુ કરી શકાય છે તેની માહિતી નથી.

–૨૯ ટકાને ખબર નથી કે, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓની ભારતમાં એન્ટ્રી થઈ રહી છે કે થવાની છે

–નવી શિક્ષણ નીતિમાં ઈન્ટર્નશિપ કે એપ્રેન્ટિસશિપનો સમાવેશ થયો છે તેવુ ૨૬ ટકા વિદ્યાર્થીઓ જાણતા નથી

–અલગ અલગ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ સંયુક્ત રીતે રિસર્ચ હાથ ધરી શકે છે તેનાથી ૩૦ ટકા વિદ્યાર્થીઓ અજાણ

–આંતરરાષ્ટ્રીય જોડાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે તેવુ ૩૧ ટકા વિદ્યાર્થીઓને ખબર નથી

–એકેડેમિક ક્રેડિટ બેન્ક અંગે ૪૭ ટકા પાસે જાણકારી નથી

–ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ અંગે ૩૫ ટકા જેટલા વિદ્યાર્થીઓ જાણતા નથી

–૨૫ ટકા વિદ્યાર્થીઓને કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટની માહિતી  નથી

–૪૩ ટકા વિદ્યાર્થીઓ સ્વયમ પોર્ટલ સહિત વિવિધ ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે તે વાતથી અજાણ

–૪૪ ટકા વિદ્યાર્થીઓ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અંગે કશું જાણતા નથી.

સરકારી અને ખાનગી યુનિ.ઓના વિદ્યાર્થીઓની સ્થિતિ એકસરખી

સર્વેક્ષણ અનુસાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાણકારીનો અભાવ ખાનગી અને સરકારી એમ બંને પ્રકારની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં છે.તેમની સંખ્યામાં કોઈ ખાસ તફાવત નથી.આમ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ તથા કોલેજોના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની જાગૃતિ વધે તે માટે પ્રયત્નો કરવાની અને શક્ય હોય તો વધારે ઈવેન્ટનુ આયોજન કરવાની જરુર છે.

પ્રેક્ટિકલ શિક્ષણનો અભાવ મુખ્ય સમસ્યા

આ સર્વેમાં જાણવા મળ્યુ છે કે, ઘણા બધા વિદ્યાર્થીઓ  પોતે જે ભણે છે તેનાથી નોકરી મેળવવામાં મદદ નથી મળી રહી તેવુ માની રહ્યા છે.૪૬ ટકા વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, અભ્યાસક્રમમાં બદલવાની જરુર છે.૪૫ ટકાએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે જોડાણ નથી અને ૪૪ ટકાએ જણાવ્યુ હતુ કે, પ્રેક્ટિકલ શિક્ષણનો અભાવ મુખ્ય સમસ્યા છે.

વિદ્યાર્થીઓના મતે નવી શિક્ષણ નીતિના ફાયદા

નવી શિક્ષણ નીતિના સંભવિત ફાયદા અંગે પૂછવામાં આવતા ૫૦ ટકા વિદ્યાર્થીઓએ એક કરતા વધારે વિદ્યાશાખામાં અભ્યાસનો, ૪૬ ટકા વિદ્યાર્થીઓએ અનુભવ સાથેના શિક્ષણનો, ૫૯ ટકા વિદ્યાર્થીઓએ શિક્ષણના પ્રારંભિક તબક્કામાં લક્ષ્ય  નક્કી કરવામાં મદદ, ૫૭ ટકા વિદ્યાર્થીઓએ નોકરી માટે જરુરી કુશળતા મળશે તેવુ કહ્યુ હતુ.