બ્રિટનમાં કોરોના કેસ વધતા વિજ્ઞાનીઓની દેશભરમાં લૉકડાઉન લગાવવાની માગ

નવા સ્ટ્રેઈનને કારણે બ્રિટનમાં ચાલુ મહિને ૬ લાખથી વધુ નવા કેસ

ફ્રાન્સ, સ્વિટ્ઝરર્લેન્ડ અને સ્વિડનમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેઈન મળ્યો

કોરોના વાઈરસનો નવો સ્ટ્રેઈન બ્રિટનમાં તબાહી મચાવી રહૃાો છે. આ સ્ટ્રેઈન આશરે ૭૦થી ૧૦૦ ટકા વધુ ચેપી છે. તેના લીધે આખા દૃેશમાં ઝડપથી કેસ વધ્યા છે. ૩૦ નવેમ્બરે ત્યાં કુલ ૧૬,૨૬,૬૫૬ કેસ હતા. ૨૬ ડિસેમ્બરે આ સંખ્યા ૨૨,૫૬,૦૦૫ પર પહોંચી ગઈ. એટલે કે ડિસેમ્બરમાં ૩૮ ટકા કેસ વધી ગયા. ગત સપ્તાહે ત્યાં દરરોજના કેસની સરેરાશ ૩૨,૭૨૫ હતી. આ એક સપ્તાહ પહેલાની તુલનાએ ૪૬.૬ ટકા વધુ છે.

તેને ધ્યાનમાં રાખી બ્રિટનના વિજ્ઞાનીઓએ આખા દેશમાં સૌથી કડક સ્તરનું લૉકડાઉન લગાવવાની માગ કરી છે. બ્રિટને પહેલાથી જ પૂર્વ અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ચોથા સ્તરનું લૉકડાઉન લગાવ્યું છે. ચોથું સ્તર ઈંગ્લેન્ડમાં લૉકડાઉનનું સૌથી કડક સ્તર છે. સ્કૉટલેન્ડ અને ઉત્તર આયરલેન્ડમાં પણ લૉકડાઉન છે. એટલે કે બ્રિટનની આશરે ૩૫થી ૪૦ ટકા વસતી પહેલાથી જ કડક લૉકડાઉનમાં છે. બ્રિટનમાં ૮ ડિસેમ્બરથી રસીકરણ ચાલુ છે.

ત્યારથી અત્યાર સુધી ૬ લાખ લોકોને વેક્સિન અપાઈ છે. વિજ્ઞાનીઓ કહે છે કે જો દેશમાં કોરોનાન ચેપને અટકાવવો હોય તો દર અઠવાડિયે ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોને વેક્સિન આપવી પડશે. આ કારણે ત્યાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને જલ્દી મંજૂરી આપવાની માગ ઝડપી બની છે. આશા છે કે આગામી દિવસોમાં આ વેક્સિનને ત્યાં મંજૂરી મળી જશે.