ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત આપી ફ્રોડ આચરતો સુરતનો ગઠિયો ઝડપાયો

ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત આપી ફ્રોડ આચરતો સુરતનો ગઠિયો ઝડપાયો
ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત આપી ફ્રોડ આચરતો સુરતનો ગઠિયો ઝડપાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો સાથે ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત આપી ઓનલાઈન રૂપિયા પડાવી લેતા સુરતના જયદીપ નામના ગઠિયાને થોરાળા પોલીસ મથકના પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી અને ટીમે ચુનારાવાડ ચોકમાંથી પકડી અનેક છેતરપીંડીના બનાવના ભેદ ઉકેલાયા હતાં.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર ઉમિયા ચોક કિશાન પાર્ક શેરી નં.3 માં રહેતાં નેહલભાઇ દીનેશભાઈ ગોરસીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એસ્ટ્રોન ચોકમાં આઈ.સી.આઈ.સી. આઈ. એ.ટી.એમ.ની બાજુમાં ફોનજી નામની મોબાઇલની દુકાન ચલાવે છે.

ગઇ તા.16/03/2024 ના દુકાને ગયેલ અને ત્યાં હાજર દર્શન પાસે મોબાઇલ વેચાણ અંગેનો હિસાબ માંગેલ તો તેમને મોબાઇલના વેચાણ અંગે માહીતી આપેલ હતી. દુકાનની અંદર એક મોગબઇલ આઇ ફોન 13 પ્રો મોબાઇલ ગુમ હોય અને જોવામા નહી આવતા તે મોબાઇલ બાબતે પુછતા જણાવેલ કે, ગઇ તા.12/03/2024 ના બપોરના સમયે જયદીપભાઇના મો.નં.90160 63680 પરથી ફોન આવેલ અને જણાવેલ કે, હું તમારા શેઠ નેહલભાઇનો મીત્ર જયદીપ વાત કરું છું. તમારા શેઠ સાથે વાત થઇ ગયેલ છે કે, મારો એક માણસ તમારી દુકાને આવશે તેમને તમે આઇ ફોન 13 પ્રો મોબાઇલ તમે તેમને આપી દેજો, હુ તમને ઓનલાઇન ગુગલ પે દ્વારા મોબાઇલના રૂ.55 હજાર ચુકવી આપીશ તેમ જણાવેલ હતું.

ત્યારબાદ થોડીવારમા એક ભાઇ દુકાને આવેલ અને  જયદીપભાઇએ મોબાઇલ લેવા માટે મોકલેલ છે તેમને જયદીપ સાથે વાત કરાવેલ હતી. જેથી તેમને  રૂ.55 હજારનો આઈફોન આપેલ હતો. તેમજ તેમના નંબરમાં સંપર્ક કરતાં તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. તેમજ જાણવા મળેલ કે, રવિભાઈ રામોલીયાએ જણાવેલ કે, મને જયદીપએ આઇ ફોન થર્ટીન પ્રો મોબાઇલ એસ્ટ્રોન ચોકમા આવેલ ફોનજી નામની મોબાઇલની દુકાનેથી મોબાઇલ લઇ આવવાનું કહીં રૂ.31500 ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન થોરાળા પોલીસ મથકમાં પણ નોંધાયેલ છેતરપીંડીના ગુના અંગે પીઆઈ એન.જી.વાઘેલાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી ત્યારે પીએસઆઈ એમ.એસ.મહેશ્વરીને ફેસબુક એપમાં ખોટી આઈડી બનાવી આઈડીમાં સસ્તા ભાવે મોબાઈલ વેંચવાની જાહેરાત મૂકી સાયબર ફ્રોડ આચરતો શખ્સ ચુનારાવાડ ચોક પાસે હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે શખ્સને ઝડપી તેનું નામ પૂછતાં જયેશ ઉર્ફે જયદીપ ઉર્ફે ડેવિલ ઉર્ફે જયુ વિઠ્ઠલ ઝાલા (ઉ.વ.22),(રહે. હીરાબાગ સુરત, મૂળ વાસવડ, સુત્રાપાડા) હોવાનું જણાવ્યું હતું.

આરોપીનો ઇતિહાસ પોકેટકોપ મારફતે ચેક કરતાં તે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એટીએમ તોડવાના પ્રયાસમાં અને એ.ડિવિઝન પોલીસ મથકના ફ્રોડ અને ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તેના મોબાઈલ ફોનમાં રહેલ ફોટા અને ચછ કોડથી ટ્રાન્સફર કરેલ રૂપિયાના સ્ક્રીન શોર્ટ અંગે પૂછપરછ કરતાં તેને ગઈ તા.13/03 ના એક ગ્રાહકને પોતે ફેસબુક પર મોબાઈલ વેંચનાર તરીકે ખોટા નામની આઈડી બનાવી ખોટી ઓળખ આપી ફેસબુક પર મોબાઈલ વેંચવાની પોસ્ટ મૂકી પોસ્ટમાં આપેલ લિંક પરથી વોટ્સએપ ચેટમાં લઈ જઈ પોસ્ટ ખોટી હોવા છતાં ગ્રાહકને વિશ્ર્વાસમાં લઇ આઈફોન વેંચાણના નામે રૂ.39999 ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી ગ્રાહકને મોબાઈલ નહિ આપી છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, આરોપી વિરૂદ્ધ તાલુકા પોલીસ મથક અને સુરતના સલાબતપુરા પોલીસમાં નોંધાયેલ ગુના ડિટેકટ થયાં હતાં. જ્યારે આરોપીએ  દસેક દિવસ પહેલાં હળવદમાં મોબાઈલ વેંચવાના નામે રૂ.45500 ની છેતરપીંડી તેમજ એક મહિના પહેલાં રાજકોટ એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલના નામે રૂ.32 હજારની છેતરપીંડી કરી હતી. ઉપરાંત બે મહિના પહેલાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂ.56 હજારની મોબાઈલ છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ હતી. તેમજ બે મહિના પહેલા સુરતના અલગ અલગ ત્રણ લોકો સાથે મોબાઈલ સસ્તા ભાવે આપવાના બહાને રૂ.95 હજારની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.

આરોપી કેશોદ પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ ખુલ્યું હતું.  

♦ દુકાનદારને 1000 રૂપિયા એડવાન્સમાં આપી વિશ્વાસ કેળવતો

રાજકોટ. તા.12
ગઠિયો જયદીપ ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત આપ્યા બાદ લોકોને ફસાવી જે તે વિસ્તારમાં દુકાને જવાનું કહેતો હતો. જે પહેલા તે દુકાનદારને ફોન કરી મારો ગ્રાહક આપની પાસે આઈફોન લેવા આવશે તેમને હું તમારા સંપર્કમાં છું તે કહેવા માટે દુકાનદારને એડવાન્સમાં રક હજાર રૂપિયા આપી વિશ્ર્વાસમાં લેતો હતો. જે બાદ ભોગ બનનાર ત્યાં દુકાને જાય ત્યારે તેઓ ગઠિયાને ઓળખે છે તેવું કહેતાં ગ્રાહક તેમને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી ફ્રોડનો ભોગ બનતાં હતાં.

રાજકોટમાં થયેલ એટીએમ તોડવાના પ્રયાસ અને ચોરીના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલ્યું: હળવદ વાંકાનેર, સુરત સહિત સૌરાષ્ટ્રભરના લોકો સાથે છેતરપીંડી આચરી