પાણી પીતી વખતે ઢળી પડયો અને જીવ ગયો

પાણી પીતી વખતે ઢળી પડયો અને જીવ ગયો
પાણી પીતી વખતે ઢળી પડયો અને જીવ ગયો

શહેરમાં હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઇકાલે વેપારી અને એક યુવાનના હાર્ટએટેકથી મૃત્‍યુ થયા બાદ આજે ૧૭ વર્ષના વિદ્યાર્થી અને ચાલીસ વર્ષના યુવાનના પણ હૃદય બેસી જવાથી મોત થયા છે. સંત કબીર રોડ ગોકુલનગરમાં રહેતાં પરિવારનો એકનો એક સત્તર વર્ષનો દિકરો નવાગામ ટ્રાન્‍સપોર્ટની ઓફિસે કાકાને મળવા ગયો ત્‍યારે પાણી પીતાં પીતાં ઢળી પડયો હતો અને જીવ ગયો હતો. હનુમાન મઢી પાસે શિવપરાના યુવાનનું ઘરે બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું.

જાણવા મળ્‍યા સંત કબીર રોડ પર ગોકુલનગર-૧માં રહેતો હર્ષિલ કમલેશભાઇ ગોરી (ઉ.વ.૧૭) રાતે દસેક વાગ્‍યે નવાગામમાં પંચાયત ઓફિસ પાસે આવેલા નારાણજી પેરાજ ટ્રાન્‍સપોર્ટ ઓફિસ પાસે તેના કાકા શૈલેષભાઇ માવજીભાઇ ગોરીનું આઇસર આવ્‍યું હોઇ કાકાને મળવા ગયો હતો. ત્‍યાં ઓટા પર ઉભો ઉભો પાણી પીતો હતો ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ જણાવ્‍યું હતું. હર્ષિલ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો અને લાલ બહાદુર શાષાી વિદ્યાલમાં ધોરણ-૧૧માં ભણતો હતો. તેના પિતા કમલેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે, માતાનું નામ કમળાબેન છે. એકના એક લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે હર્ષિલને કોરોના વેક્‍સીનના ડોઝ અપાયા નહોતાં.

બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ સહયોગ પાન પાસે શિવપરા-૪માં રહેતાં મુકેશભાઇ નાથાભાઇ ફોરીયાતર (ઉ.વ.૪૦) નામના યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેનું મોત થયું હતું. મૃત્‍યુ પામનાર બે ભાઇમાં નાના હતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે જાણ કરી હતી.