પાક.ની આતંકી ઘુસણખોરી સામે અમેરિકા લાલઘુમપ

ભારત સાથે વાટાઘાટો મારફત જ સમસ્યાઓનું નિરાકરણ લાવવા તાકિદ, અમેરીકી વિદેશ વિભાગની સ્પષ્ટ ટકોર, ઘુસણખોરીને અમે વખોડી કાઢીએ છીએ

ભારત અને પાકિસ્તાન સાથે એક સમાન ધોરણે સંબંધોની નીતિનો પુનરૂચ્ચાર કરવા સાથે અમેરીકાએ આજે અંકુશ હરોળ પર ત્રાસવાદીઓની ઘુસણખોરીના મામલે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તેનો કાન આમળ્યો હતો. સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સાથે સંવાદ ચાલુ રાખવાની અમેરીકી વિદેશ વિભાગે ઇસ્લામાબાદને ટકોર કરી હતી.

આજે પત્રકારો સાથે વાતચીત કરતા અમેરીકી વિદેશ વિભાગના પ્રવકતા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, ભારત સાથેની અંકુશ હરોળ પર ત્રાસવાદીઓની ઘુસણખોરીને અમેરીકા વખોડી કાઢે છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર તગદીલી ઘટાડવાની જરૂર છે. અમેરીકા કાશ્મીર સહિતના મુદ્ાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો થાય અને સંવાદ થકી જ ઉકેલ મેળવવાની પ્રક્રિયાનું સમર્થન કરે છે. ત્રાસવાદી ઘુષણખોરી કોઇ કાળે ચલાવી લેવાય નહીં.

અમેરીકી વિદેશ વિભાગે સંબંધોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડ અંગેની નીતિમાં અમેરીકાએ કોઇ ફેરફાર કર્યો નથી. ભારત સાથેના સંપર્કો એ વિશ્ર્વ વ્યાપી, સર્વગ્રાહી, વ્યૂહાત્મકભાગીદારીઓનો જ એક હિસ્સો છે. અમેરીકાના ભારત સાથેના સંબંધો મહત્વના છે. પાકિસ્તાન સાથે પણ એટલા જ મહત્વના સંબંધો છે. અમે આ પ્રદેશમાં સમાન મહત્વના હિતો ધરાવીએ છીએ. એટલે જ બન્ને દેશો સાથે ખુબ ધનીષ્ઠ સંપર્ક રાખીને આગળ વધવાની નીતિ ધરાવીએ છીએ. દરમ્યાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગઇકાલે એક હાસ્યાસ્પદ ટ્વીટ કર્યુ હતું, ઇમરાને એવું ટ્વીટ કર્યુ હતું કે, એક અહેવાલ મુજબ ભારતમાં 34 ટકા મકાનો એટલા નબળા પડયા છે કે, એક સપ્તાહ પણ ઉભા રહી શકે તેમ નથી એટલે પાકિસ્તાન એ દિશામાં ભારતને મદદ કરવા તૈયાર છે. ભાજપે ઇમરાનના ટ્વીટની ટીકા કરી હતી અને હસી કાઢયો હતો.