પાકિસ્તાને ૨૦૨૦માં ૫૧૩૩ વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું : રાજનાથ સિંહ

એલ.ઓ.સી. બોર્ડર પર પાકિસ્તાન અવારનવાર અવળચંડાઈ કરતું રહે છે. પાડોશી દેશ તરફથી સતત સીઝ્ફાયરનું ઉલ્લંઘન થતું રહે છે. આ રીતે ઉશ્કેરણી વગર કરાયેલા હુમલા પાછળનું મુખ્ય કારણ ફાયરીંગની આડમાં આંતકવાદીઓને ભારતમાં પ્રવેશ કરાવવો અને ભારતની શાંતિ ભંગ કરવી છે.

રાજ્યસભામાં પ્રશ્ર્નનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી રાજનાથ સિંહે કહૃાું હતું કે, પાકિસ્તાન તરફથી ૨૦૨૦ માં ૫,૧૩૩ વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું હતું અને તેમાં ૪૬ ભારતીય જવાનો શહીદ થયા હતા. પોતાનું વક્તવ્ય આપતી વખતે રાજનાથ સિંહ ગુસ્સામાં જોવા મળ્યા હતા અને તેમણે પાકિસ્તાનના આ શાંતિ ભંગના પ્રયાસને ભારત કોઈપણ રીતે સાંખી નહિ લે તેવી બાંયધરી આપી હતી.

બોર્ડર પારથી અવારનવાર આડેધડ ફાયરીંગ થતું રહે છે અને સામે પક્ષે ભારત પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે. સીઝફાયર તોડીને પાકિસ્તાન બોર્ડર નજીક વસેલા રહેવાસીઓને ટાર્ગેટ કરે છે અને નિર્દોષ રહેવાસીઓને સંરક્ષણ આપતા ભારતીય જવાનો શહીદ થાય છે.