દેશના ટોચના કોર્પોરેટ ગ્રુપ ગોદરેજનું વિભાજન

દેશના ટોચના કોર્પોરેટ ગ્રુપ ગોદરેજનું વિભાજન
દેશના ટોચના કોર્પોરેટ ગ્રુપ ગોદરેજનું વિભાજન

દેશના સૌથી જુના અને મોટા કોર્પોરેટ ગૃહમાં સ્થાન ધરાવતા ગોદરેજ પરિવારમાં વિભાજન થવા જઇ રહ્યું છે. 59,000 કરોડ રૂપિયાનું સામ્રાજય ધરાવતા ગોદરેજ ગ્રુપના વિભાજન માટે પરિવાર દ્વારા સમજુતી કરી લેવામાં આવી છે. સાબુથી માંડીને હોમ એપ્લાયન્સીઝ અને એગ્રીકલ્ચરથી માંડીને રીયલ એસ્ટેટ ક્ષેત્ર સુધી પથરાયેલા 127 વર્ષ જુના ગોદરેજ ગ્રુપમાં ભાગલા કરવા સમજુતી સાધી લેવામાં આવી છે.

જે અંતર્ગત આદિ ગોદરેજ અને તેના ભાઇ નાદીર ગોદરેજને કોર્પોરેટ ગ્રુપની પાંચ લીસ્ટેટ કંપનીઓ સોંપવામાં આવશે. જયારે જમસેદ અને તેમની બહેન સ્મિતાને અનલીસ્ટેડ કંપનીઓ અને રીયલ એસ્ટેટ-પ્રોપર્ટીનો કબ્જો મળશે. બીજા પિતરાઇ ભાઇ પાસે પણ ગોદરેજ ગ્રુપની કંપનીઓની ભાગીદારી છે પરંતુ તેની કંપનીમાં કોઇ સીધી ભૂમિકા નથી.

127 વર્ષ જુના અને 7 અબજ ડોલરનું આર્થિક સામ્રાજય ધરાવતા દેશના પ્રતિષ્ઠિત ગોદરેજ ગ્રુપના વિભાજનની ચર્ચા કેટલાક વખતથી ચાલી જ રહી હતી અને હવે પરિવાર દ્વારા ઘરમેળે સમજુતી કરીને વિભાજીત નકકી કરી લેવામાં આવી છે. ગોદરેજ ગ્રુપની કંપનીઓમાં અત્યાર સુધી તમામની હિસ્સેદારી છે અને એક બીજી કંપનીઓના બોર્ડમાં પણ  ડાયરેકટર તરીકે તમામ લોકો સામેલ છે. પરંતુ હવે સમજુતી અંતર્ગત ગોદરેજ પરિવારના સભ્યો એક બીજાની કંપનીના બોર્ડમાંથી હટી જશે અને શેરોની હિસ્સેદારી પણ એકબીજાને સોંપશે. 

ગોદરેજ ગ્રુપની ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ, ગોદરેજ પ્રોપર્ટીસ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેટ લાઇફ સાયન્સ જેવી પાંચ લીસ્ટેટ કંપનીઓ આદિ ગોદરેજ અને તેના ભાઇ નાદીર ગોદરેજને આપવામાં આવનાર છે.  આદિ અને નાદીર ગોદરેજ એન્ડ બોયઝમાં પોતાના શેરો જમસેદ અને સ્મિતાને સોંપી દેશે અને સ્મિતા તથા જમસેદ ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ અને ગોદરેજ પ્રોપર્ટીઝના શેર આદિ તથા નાદીરને આપી દેશે. અપરણીત રિશાદ પોતાના  મૃત્યુ બાદ તેમના ભાગની પ્રોપર્ટી બંને જુથને પ0-50ના સમાન હિસ્સામાં આપી દે તેવો પણ સમજુતીમાં ઉલ્લેખ હોવાનું બહાર આવ્યું છે. 

સમજુતી બાદ ગોદરેજ પરિવારે સતાવાર રીતે એવું જાહેર કર્યુ હતું કે બંને પક્ષ કોર્પોરેટ કારોબારમાં ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.  ગોદરેજ એન્ડ બોયઝમાં આદિ, નાદીર, જમસેદ, સ્મિતા અને રિશાદની 10-10 ટકાની ભાગીદારી છે અને 24 ટકાની ભાગીદારી પિરોજશા ગોદરેજ ફાઉન્ડેશનની છે. જયારે ર7 ટકા ભાગીદારી ગોદરેજ ઇન્વેસ્ટમેન્ટ પાસે છે.

આદિ અને નાદીર ગોદરેજને મળનારી પાંચ લીસ્ટેટ કંપનીઓનું માર્કેટ કેપીટલાઇઝેશન 2.4 લાખ કરોડ રૂપિયા છે અને તેની રેવન્યુ 41750 કરોડથી વધુ છે. તેનો નફો 4175 કરોડ રૂપિયા છે. ગોદરેજ એન્ડ બોયઝની આવક બે અબજ ડોલર અને કરવેરા પૂર્વેનો નફો 72 મીલીયન ડોલરનો છે.  

ગોદરેજ એન્ડ બોયઝ અને તેની પેટા કંપનીઓ પર હવે જમસેદ, સ્મિતાની પુત્ર નાઇરીકા હોલકર અને તેના પરિવારનું નિયંત્રણ રહેશે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ચાર લીસ્ટેડ કંપનીઓ પર આદિ, નાદીર અને તેમના પરિવારનું નિયંત્રણ રહેશે. નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે આદિના પુત્ર પિરોસસા જીઆઇજી કાર્યકારી ઉપાધ્યક્ષ બનશે અને 2026માં આદિ ગોદરેજના સ્થાને ચેરમેન પદ મેળવશે. 

ગોદરેજ એન્ડ બોયઝ હેઠળ ગ્રુપની 3000 કરોડ રૂપિયાથી વધુની રીયલ એસ્ટેટ સંપતિ છે તેનું વિભાજન કેવી રીતે થશે તેની કોઇ વિગતો હજુ જાહેર થઇ નથી.

ગોદરેજ પરિવારમાં કોને શું મળશે ?
(1) આદિ અને નાદીર ગોદરેજને ગ્રુપની પાંચેય લીસ્ટેડ કંપનીઓનું નિયંત્રણ મળશે આ કંપનીઓનું માર્કેટ કેપ 2.4 લાખ કરોડ રૂપિયા છે.
(ર) તેમના પિતરાઇ જમશેદ અને બહેન સ્મિતાને ગોદરેજ એન્ડ બોયસનું નિયંત્રણ મળશે. અનલિસ્ટેડ કંપનીનું 16,000 કરોડનું ટર્ન ઓવર છે.
(3) અન્ય પિતરાઇ રિશાદ પણ ગોદરેજ કં5નીઓમાં હિસ્સેદારી ધરાવે છે પરંતુ કોઇ સીધી ભૂમિકા નથી. 
(4) ગ્રુપની 3,000 કરોડની જમીન તથા પ્રોપર્ટી ગોદરેજ એન્ડ બોયસ હેઠળ છે તેની વહેંચણી કેવી રીતે થાય છે તેના પર નજર રહેશે.