દિકરાના મિત્રોએ સળગાવેલી ચપ્‍પલો ભરેલી રેંકડીથી દાઝી ગયેલા વૃધ્‍ધ મનુભાઇનું રાજકોટમાં મોત

દિકરાના મિત્રોએ સળગાવેલી ચપ્‍પલો ભરેલી રેંકડીથી દાઝી ગયેલા વૃધ્‍ધ મનુભાઇનું રાજકોટમાં મોત
દિકરાના મિત્રોએ સળગાવેલી ચપ્‍પલો ભરેલી રેંકડીથી દાઝી ગયેલા વૃધ્‍ધ મનુભાઇનું રાજકોટમાં મોત

મોરબીમાં રામકૃષ્‍ણનગર-૬માં રહેતાં મનુભાઇ ખોડાભાઇ ડુંગરા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધના પુત્ર નવઘણ સાથે તેના મિત્રો વેલા અને જયુભાએ ફોન કેમ ઉપાડતો નથી કહી ઝઘડો કર્યા બાદ ફરીથી આ શખ્‍સો નવઘણને શોધવા આવતાં અને નીકળી ગયા પછી વૃધ્‍ધના અન્‍ય પુત્રની ચપ્‍પલોની ફેરી માટેની રેકડી સળગતાં ઘરે કોઇ ન હોઇ પગમાં ફ્રેકચર હોવાથી મનુભાઇ ઢસડાતા ઢસડાતા રેકડી પાસે પહોંચતા સળગતી રેંકડી અને તેમાં ભરેલા ચપ્‍પલોને કારણે પગ-હાથમાં દાઝી ગયા હતાં. આ વૃધ્‍ધે આજે રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આ બનાવમાં મોરબી બી-ડિવીઝન પોલીસે  આજે રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનાર મનુભાઇ ખોડાભાઇ ડુંગરા (ઉ.વ.૬૦)ના પત્‍નિ ગોૈરીબેન મનુભાઇ ડુંગરા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી મોરબીના વેલા રાવળ અને જયુભા દરબાર તથા બે ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૩૫, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

ગોૈરીબેન ડુંગરાએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને છુટક મજૂરી કરુ છું. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. સોૈથી નાના દિકરાનું નામ નવઘણ છે. મારા પતિ મનુભાઇ છુટક મજૂરી કરે છે. તા. ૧૩/૪/૨૪ના સવારે હું ઘરે હતી. દિકરો મહેશ ચપ્‍પલની લારી કાઢી વેપાર કરતો હોવાથી તે સવારથી લારી લઇ નીકળી ગયો હતો. બીજો દિકાર નવઘણ અને કારુ ઘરે હતાં. સાંજે સાતેક વાગ્‍યે અમે ઘરે હતાં ત્‍યારે મારા દિકરા નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર અમારી ઘરે આવ્‍યા હતાં અને દિકરા નવઘણને કહેવા લાગ્‍યા હતાં કે તું કેમ અમારો ફોન ઉપાડતો નથી? તેમ કહી ગાળો દેવા માંડતાં અને ઢીકાપાટુ મારવા માંડતાં હું વચ્‍ચે પડી હતી અને બંનેને સમજાવ્‍યા હતાં.

આ વખતે વેલા અને જયુભાએ કહેલુ કે તારા દિકરા નવઘણનેસમજાવી દેજે નહિતર હવે પછી જીવતો નહિ મુકીએ. આમ કહી બંને જતાં રહ્યા હતાં. એ પછી મારા દિકરા કારુને અકસ્‍માતમાં ઇજા થઇ હોઇ તેની દવા લેવા હું, દિકરો મહેશ અને કારુ રિક્ષા લઇને ગયા હતાં. આ વખતે રોડ પર ફરીથી વેલો અને જયુભા ઉભા હોઇ અમારી રિક્ષા ઉભી રખાવી ક્‍યાં જાવ છો? પોલીસ ફરિયાદ કરવા જાવ છો ને? તેમ કહી ફરીથી ગાળો દેતાં મેં અને દિકરા મહેશે ગાળો દેવાની ના પાડતાં બંનેએ મોટા અવાજે દેકારો કર્યો હતો. ઘર નજીકમાં જ હોઇ દિકરો નવઘણ અને ભાણેજ લાલો દોડી આવ્‍યા હતાં  અને વેલા તથા જયુભાને સમજાવ્‍યા હતાં. આ વખતે આ બંનેએ નવઘણ અને લાલાને પણ મારકુટ કરી હતી. સામે લાલાએ પણ વેલાને ઝપાઝપીમાં હાથમાં કંઇક મારી દીધુ હતું જેથી તેને લોહી નીકળવા માંડયા હતાં. માણસો ભેગા થઇ જતાં હું દિકરા કારુને લઇ મોરબી હોસ્‍પિટલે જતી રહી હતી.

બાદમાં વેલા રાવળનો મને ફોન આવ્‍યો હતો કે તું તારા ઘરે આવીને ઘર જોઇ લે. આથી હું દવાખાનેથી ઘરે આવતાં ઘરની બહાર મારા દિકરાની ચપ્‍પલની લારી હતી તે સળગતી હતી. મારા પતિ મનુભાઇ ડુંગરા દરવાજા પાસે સુતલા હતાં. જેથી મેં તેને શું થયું? તેમ પુછતાં તેણે કહેલુ કે-નવઘણના મિત્ર જયુભા અને બે ત્રણ અજાણ્‍યાએ ઘરે આવી નવઘણ ક્‍યાં છે? તેમ પુછી ઘરમાં તપાસ કરી હતી. નવઘણ ન મળતાં તે નીકળી ગયા હતાં. એ સાથે જ શેરીમાં પડેલી આપણી ચપ્‍પલની લારી સળગી હતી. તેમાં ચપ્‍પલો ભર્યા હોઇ તે પણ સળગી ગયા હતાં. હું પગમાં ફ્રેકચર હોઇ પાટો બાંધેલો હોઇ ચાલી શકતો ન હોવાથી ઢસડાતો ઢસડાતો લારી સુધી પહોંચ્‍યો હતો. પણ આગ ઓલવી શક્‍યો નહોતો. લારી અને ચપ્‍પલનો જથ્‍થો સળગતો હોઇ તે મને અડી જતાં પગ-હાથમાં દાઝી ગયો હતો.

મારા પતિ સાથે આ શખ્‍સો વધુ ઝઘડો કરશે તેવો ભય લાગતાં હું તેને વીસીપરામાં મારી દિકરીના ઘરે મુકી આવી હતી. બાદમાં મોરબી સારવાર માટે ખસેડયા હતાં. તે બોલીચાલી શકતા નહોતાં. લારી જયુભા અને વેલા સહિતે સળગાવી હોવાની અમને પુરી શંકા છે. તેમ વધુમાં જે તે વખતે ગોૈરીબેને જણાવ્‍યું હતું. આ ચપ્‍પલની લારીની આગમાં દાઝેલા મનુભાઇ ડુંગરાએ રાજકોટ હોસ્‍પિટલમાં આજે વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરે જ મનુભાઇ જે ખાટલામાં સુતા હતાં તે ઉપાડીને સળગતી રેકડી પાસે મુકી દેતાં તે દાઝી ગયા હતાં. જો કે મનુભાઇએ જે તે વખતે પોલીસ ફરિયાદમાં પોતે જાતે જ આગ બુઝાવવા જતાં  દાઝી ગયાનું જણાવ્‍યું હતું.