દસાડા નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે ટકકર

દસાડા નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે ટકકર
દસાડા નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે ટકકર

સુરેન્દ્રનગરના દસાડા પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ આગ લાગતા ડ્રાઈવર સહિત બે લોકો જીવતા ભૂંજાયા હતા. બાદમાં દસાડા પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલમા લઈ જવાયા બાદ મૃતદેહોને રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પર બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં ટ્રેલર ચાલક તેમજ અન્ય એક વ્યક્તિના મોત થયા છે, જ્યારે ડમ્પર ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. જેથી તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા શંખેશ્વર હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. થોડા સમય અગાઉ ટ્રોલી સહીતનું ટ્રેક્ટરને વિજશોક લાગતા મધ્યપ્રદેશના ત્રણ મજૂરો અકાળે મોતને ભેટ્યા હતા. આ ગોઝારી ઘટનાની શાહી હજી સુકાઈ નથી. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને ગવાણા પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા ડ્રાઈવર સહિત બે લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ ગોઝારા અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર રાજસ્થાન પાસિંગના ટ્રેલર નં-GJ-36-GA-8889નો ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત ( રહે-શોડપુર, તા. રાયપુર, જી-બ્યાવર (રાજસ્થાન) અને એમાં બેઠેલો એક અજાણ્યો માણસ મોરબીથી રાજસ્થાન તરફ જઈ રહ્યાં હતા, ત્યારે સામેથી પુરઝડપે આવતા ડમ્પર નં-GJ-13-JW-4097ના ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમાર ( રહે-કુકડા, તા-મુળી, જી-સુરેન્દ્રનગર )વાળાએ અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પર બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત ( રહે-શોડપુર, તા. રાયપુર, જી-બ્યાવર (રાજસ્થાન) અને એમાં બેઠેલો એક અજાણ્યો માણસ જીવતા સળગી જતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં ડમ્પર ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમાર ( રહે-કુકડા, તા-મુળી, જી-સુરેન્દ્રનગર )વાળાને હાથે, પગે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા, નિલેશભાઈ રથવી અને મનીષભાઈ અઘારા સહિતનો પોલીસ સ્ટાફે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલમા લઈ જવાયા બાદ મૃતદેહોને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં એક મૃતક ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત ( રહે-શોડપુર, તા. રાયપુર, જી-બ્યાવર (રાજસ્થાન) હોવાની સાથે અન્ય મૃતકની ઓળખ હજી સુધી ન થઈ હોવાનું દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું હતું.