ટાંકામાં ડૂબી જતા સ્‍લમ ક્‍વાર્ટરના યુવાન મહેશ ચોહાણનું મોત

ટાંકામાં ડૂબી જતા સ્‍લમ ક્‍વાર્ટરના યુવાન મહેશ ચોહાણનું મોત
ટાંકામાં ડૂબી જતા સ્‍લમ ક્‍વાર્ટરના યુવાન મહેશ ચોહાણનું મોત

જામનગર રોડ પર રહેતો અને છુટક સફાઇ કામ કરતો યુવાન અમીન માર્ગ પાસે અર્જુન પાર્કમાં સફાઇ કામ માટે ગયો હતો ત્‍યારે એક ઘરના ફળીયામાં આવેલા પાણીના ભોં ટાંકાનો વાલ્‍વ બંધ કરવા અંદર ઉતરતાં પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્‍યું હતું. તે બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતો મહેશભાઇ રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) સવારે દસેક વાગ્‍યે સફાઇ કામ માટે ગયો હતો. એ વખતે અમીન માર્ગ પર અર્જુન પાર્કમાં આવેલા એક બંગલાના ભોં ટાંકામાં પાણીનો વાલ્‍વ ચાલુ હોઇ તે બંધ કરવા માટે બોલાવાતા તે ત્‍યાં ગયો હતો. ઘણી વાર થવા છતાં તે ટાંકામાંથી બહાર ન આવતાં પત્‍નિ અનીતાબેન અને ઘરધણીને તપાસ કરી હતી. પણ તે ટાંકામાં પાણી ભરેલુ હોઇ દેખાતો નહોતો. ફાયર બ્રિગેડને જાણ થતાં કાલાવડ રોડ ફાયર સ્‍ટેશનની ટીમના જવાનો સ્‍ટેશન ઓફિસર વિગોરા, જમાદાર જયપાલસિંહ, ફાયરમેન હર્ષદભાઇ, મહાવીરસ્‍ંિહ, સુરેશભાઇ, નવજીતસિંહ, ડ્રાઇવર મનોજભાઇ સહિતે તાકીદે પહોંચ્‍યા હતાં અને રેસ્‍ક્‍યુ કરી ટાંકામાંથી મહેશભાઇને બેભાન હાલતમાં બહાર કાઢી સીપીઆર આપ્‍યું હતું.

બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં સ્‍વજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર મહેશભાઇ બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો અને માતા-પિતાનો આધારસ્‍તંભ હતો. તેના મૃત્‍યુથી ચાર દિકરીઓએ પિતાનું છત્ર ગુમાવી દીધુ હતું. હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા સહિતે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.