જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર વસતા ૧૬૮ રોહિંગ્યા હોલ્ડિંગ સેન્ટર મોકલાયા

જમ્મુ-કાશ્મીરમાં ૧૬૮ રોહિંગ્યા મુસલમાનોને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. આ સેન્ટર કઠુઆની હીરાનગર જેલમાં બનાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ જમ્મુમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોની બાયોમેટ્રિક ઓળખ સહિત અન્ય વિગતો મેળવવાનું કામ શરૂ કરી દીધુ છે.

જણાવી દઈએ કે, રોહિંગ્યા રેયુજી મ્યાનમારના બાંગ્લા ભાષી અલ્પસંખ્યક મુસ્લિમ છે. પોતાના દેશમાં થઈ રહેલા અત્યાચારથી પરેશાન થઈને મોટી સંખ્યામાં રોહિંગ્યા બાંગ્લાદેશના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને જમ્મુ સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસી ગયા છે. વિદેશ અધિનિયમની કલમ ૩ (૨) ઈ અંતર્ગત આ હોલ્ડિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હોલ્ડિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા ૨૫૦ લોકો રહી શકે છે.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, તેમને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા બાદ તેમની નાગરિક્તાને લઈને વેરિફિકેશન કરવામાં આવશે. જે બાદ ગેરકાયદેસર રહેતા લોકોને હટાવવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એમએએમ સ્ટેડિયમમાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તેમની બાયોમેટ્રિક જાણકારી, રહેવાનું સ્થળ વગેરે સહિત અન્ય વિગતો એકત્ર કરવામાં આવી છે.

કેટલીક રાજનીતિક પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, તેઓ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને તાત્કાલીક તેમના દેશમાં પરત મોકલવાની દિશામાં પગલા ભરે. તેમનો આરોપ છે કે, આ બન્ને દેશોથી દેશને ખતરો છે. રોહિંગ્યા મુસલમાનો અને બાંગ્લાદેશી નાગરિકો સહિત ૧૩,૭૦૦થી વધુ વિદેશી નાગરિકો જમ્મુ અને સામ્બા જિલ્લામાં વસી ગયા છે. સરકારી આંકડા અનુસાર, ૨૦૦૮ થી ૨૦૧૬ વચ્ચે તેમની વસ્તીમાં ૬૦૦૦થી અધિકનો વધારો થયો છે.