ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત

ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત
ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત

ગદર્ભનો ઉલ્લેખ બેવકૂફીના કિસ્સાઓમાં થતો હોય છે. અત્યારસુધી ભાર ઉઠાવવા અને બેવકૂફીના ઉદાહરણો માટે ઉપયોગમાં લેવાતું આ પ્રાણી આમતો ખાસ કોઈ કામનું માનવામાં આવતું નથી પણ એસ રિસર્ચમાં સામે આવ્યું છે કે ગદર્ભની મદદથી અનેક સમસ્યા દૂર ભગાડી શકાય છે.

ગદર્ભનું દૂધ ઘણા ઔષધીય ગુણનો ખજાનો છે. બ્યુટી પ્રોડક્ટ્સ સહીત ઔષધિઓ બનાવવા માટે ગદર્ભનાં દૂધની ઊંચી માંગ ઉભી થઈ છે. ગુગલ પર સારો વ્યવસાય સર્ચ કરતા પાટણના શિક્ષકના ધ્યાને આ બાબત આવતા તેણે Donkey Milk Farm ઉભુ કર્યું છે જે દરરોજનું 1000 થી 1500 લીટર દૂધ મેળવી તેને વિશ્વના 10 થી વધુ દેશમાં નિકાસ કરે છે.

પાટણના શિક્ષકને ગુગલ સર્ચ દરમિયાન સ્ટાર્ટઅપ વિશે વિચાર આવ્યો

પાટણ જિલ્લાના મણુંદ ગામે રહેતા અને વ્યવસાયે ખાનગી શાળામાં શિક્ષક ધીરેન સોલંકી સરકારી નોકરી મેળવી સુખી જીવન જીવવા ઇચ્છતા હતા. PTC નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધીરેને કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પણ અનુભવ સારા ન રહેતા આખરે પોતાના સરકારી શિક્ષક બનવાના સ્વપ્નને તેમણે પડતું મૂક્યું હતું. સરકારી નોકરી ન મળતા આજીવિકા રળવા તેઓ સારા વ્યવસાયની શોધમાં હતા. આ દરમિયાન ગૂગલ પર તેમના ધ્યાને ગદર્ભનાં દૂધનો કારોબાર આવ્યો હતો. ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા મહિને લાખો રૂપિયાની કમાણી આપતા વ્યવસાય માટે ભારતમાં એકપણ સ્ટાર્ટઅપ ન હોવાથી તેમણે આ વ્યવસાય તરફ ઝુકાવ દાખવ્યો હતો.

ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનો રાઝ ખુલ્યો

ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી સુંદર મહિલા તરીકેની ગણનામાં આવે છે. તેના વિશેની ઘણી વાર્તાઓમાંની એક એવી પણ છે કે તે પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ગદર્ભના દૂધથી સ્નાન કરતી હતી. ક્લિયોપેટ્રા અંગેની આ વાત સત્તાવાર સામે આવી નથી પણ એ હકીકત છે કે ગદર્ભનું દૂધ ત્વચા માટે ઉત્તમ છે. આ જ કારણ છે કે તેના દૂધમાંથી સાબુ અને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.

ગદર્ભના દૂધમાંથી સાબુ બનાવવામાં આવી રહ્યા છે. આ સોપ ઓનલાઇન પણ વેચાઈ રહ્યા છે. ત્વચા નિષ્ણાંત અને સોપ મેકર સલમા ઝુબી કહે છે કે ગદર્ભનું દૂધ વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ છે. દૂધ ઉપરાંત સલમા બીજી ઘણી વસ્તુઓ જેમ કે ઓલિવ, નારિયેળ તેલ વગેરે પણ ઉમેરે છે. તેણીનો દાવો છે કે આ સાબુનો ઉપયોગ કરવાથી વૃદ્ધત્વને કારણે ત્વચા પર પડતી કરચલીઓની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત તે ચામડીના રોગોમાં પણ ફાયદાકારક છે.