કેક કટિંગ, પાર્ટી નહીં પણ પુસ્તક વાંચનની પ્રતિજ્ઞા સાથે બર્થડેની ઉજવણી

કેક કટિંગ, પાર્ટી નહીં પણ પુસ્તક વાંચનની પ્રતિજ્ઞા સાથે બર્થડેની ઉજવણી
કેક કટિંગ, પાર્ટી નહીં પણ પુસ્તક વાંચનની પ્રતિજ્ઞા સાથે બર્થડેની ઉજવણી

આજના યુવાનો અને યુવતીઓમાં બર્થડે સેલિબ્રેશનનો અનેરો ક્રેઝ જોવા મળે છે, ખાસ કરીને યુવતીઓ પણ યુવાનોની જેમ કેક કટિંગ, પાર્ટી અને એન્જોયમેન્ટ સાથે બર્થડે ઉજવણી કરવામાં મને છે ત્યારે ટંકારા તાલુકાના નાના એવા બંગાવડી ગામની દીકરીએ ભવિષ્યમાં શિક્ષક અને લેખિકા બનવાનું સ્વપ્ન સેવી 22માં જન્મદિવસે ઉજવણીના તાયફા કરવાને બદલે 22 પુસ્તકો વાંચી જ્ઞાન સમૃદ્ધ બનવાનો સંકલ્પ કર્યો છે.

ટંકારા તાલુકાના નાના એવા બંગાવડી ગામે રહેતી ભોરણીયા મીરાલી વિનોદભાઈ. ‘મીરા પટેલ’ના નામ હેઠળ વાર્તાઓ, કવિતાઓ, લેખો લખી વર્તમાનપત્રમાં પોતાની કૃતિઓ છપાય તો ખુશ થાય છે અને વાંચનનો ખૂબ શોખ ધરાવે છે, મીરા પોતાના ઘરે અંગત લાઈબ્રેરી પણ ધરાવે છે જેમાં 200 આસપાસ પુસ્તકો છે. આ આંકડો ધીમે ધીમે વધતો જાય છે. અભ્યાસમાં B.SC With Botany અને ત્યારબાદ B.Ed કર્યું છે. હાલ ટંકારાની આર્ય વિદ્યાલયમ્ નામની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને પુસ્તક પરબ ટીમની સભ્ય પણ છે.ભવિષ્યમાં ગામમાં લાઈબ્રેરી બનાવવાના ધ્યેય સાથે એક દિવસ સારી શિક્ષિકા અને લેખિકા બનવાની ખ્વાઈશ પણ વ્યક્ત કરી છે.

મીરા કહે છે કે, આમ તો જીવનમાં જન્મદિવસ ઉજવવાનો ખાસ મોહ ક્યારેય નથી રહ્યો. 18 જન્મદિવસ તો એમનમ પસાર થઈ ગયા… પણ 19માં જન્મદિવસથી એક વિચાર આવ્યો કે ‘પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન પોતે જ કરવું!’ લોકો પાર્ટી કરે, કેક કટ કરે, ફરવા જાય એવું બધું કરે. આપણે કશુંક યુનિક કરીએ.19માં જન્મદિવસે મેં મારા જ હાથે ‘હોમમેડ કેક’ બનાવી અને મમ્મી-પપ્પા તથા ભાઈ-બહેનને ખવડાવી. બસ આ જ અમારી નાનકડી પાર્ટી. 20માં જન્મદિવસ પર ’20નો આંકડો’ જોઈને સિમ્બોલિક બર્થડે સેલિબ્રેશન કરવું એવું સૂઝ્યું! પપ્પા સામે બે શરત રાખી. એમાંથી વીસમો બર્થડે છે તો ‘વીસ બુક્સ’ની ગિફ્ટ એ શરત મંજૂર થઈ. ‘ને 20નો બર્થડે અત્યાર સુધીનો ‘બેસ્ટ બર્થડે’ બન્યો.21માં જન્મદિવસ પર બે સરસ મજાની ગિફ્ટ મળી. પર્સ અને પુસ્તક! ખુદની મોજમાં જન્મદિવસની લ્હાણી-ઉજાણી થઈ ગઈ અને હવે 22માં જન્મદિવસ પર વર્ષ દરમિયાન 22 પુસ્તકો વાંચનની પ્રતિજ્ઞા લીધી હોવાનું અંતમાં ઉમેર્યું હતું.