એન્ટીલિયા કાર કેસ: ટેલિગ્રામ ચેનલનું લોકેશન તિહાર જેલ હોવાનું ખુલ્યું

ANTILIA-NIA
ANTILIA-NIA

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન એન્ટીલિયા બહાર વિસ્ફટોક ભરેલી કાર પાર્ક કરવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ ષડયંત્રના તાર છેક દિલ્હીની તિહાર જેલ સુધી જોડાયેલા હોવાનું જણાય છે. અંબાણીના ઘર બહાર સંદિગ્ધ કાર પાર્ક કરવાની જવાબદારી જૈશ ઉલ હિંદે લીધી હતી. આ માટે જે ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કર્યો હતો તેનું લોકેશન દિલ્હીમાં તિહાર જેલની આસપાસ હોવાનું માલૂમ પડ્યું છે.

એક અહેવાલ મુજબ આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી એજન્સીએ એક ખાનગી સાયબર કંપની પાસેથી ફોનનું લોકેશન જાણ્યું હતું. આ મોબાઈલ ફોનની મદદથી ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી અને બાદમાં વિસ્ફોટક સાથેની કાર પાર્ક કરવાની સ્પષ્ટતા કરતો મેસેજ પણ કરવામાં આવ્યો હતો. અંબાણી પરિવારના ઘર બહાર કાર પાર્ક કરવામાં ઉપયોગમાં લેવાયેલા ફોનનું લોકેશન કોણે ટ્રેક કર્યું તે એજન્સીનું નામ જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ કેન્દ્રીય તપાસ સંસ્થાએ તેનો રિપોર્ટ દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને પણ આપ્યું છે.

સાયબર કંપનીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે મેસેજ મોકલવા માટે ટેલિગ્રામ ચેનલ TOR નેટવર્કના માધ્યમથી બનાવવામાં આવી હતી. આ માધ્યમને ડાર્ક વેબ હેતુ ઉપયોગ માટે લેવામાં આવે છે. ટેલિગ્રામ ચેનલ રચવા માટે જે સીમ કાર્ડનો ઉપયોગ કરાયો હતો તેનું લોકેશન તિહાર જેલની આસપાસ હોવાનું જણાયું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો જ એક હિસ્સો છે. જેનો ઉપયોગ માત્ર TOR જેવા ગુમનામ નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે. આના માટે પારંપરિક સર્ચ એન્જિનની જરૂર પડતી નથી.