ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથ લીધા

શપથ પહેલાં ધારાસભ્ય દળની બેઠકમાં તીરથ સિંહના નામની ઘોષણા કરાઇ

નાના ગામથી આવ્યો છું, વિચાર્યુ નહતું સીએમ બનીશ,અટલજી પાસે પ્રેરણા મળી, બધાને સાથે લઈ ચાલીશ: રાવત

ઉત્તરાખંડમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ રાજકીય ગરમાગરમી બાદ બુધવારે ભાજપ સાંસદ તીરથ સિંહ રાવત રાજ્યના મુખ્યમંત્રી બની ગયા. સાંજે ૪ કલાકે રાજભવનમાં આયોજીત સમારોહમાં રાજ્યપાલ બેની રાની મૌર્યએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં બધા ધારાસભ્યોએ તીરથ સિંહ રાવતને સર્વસંમતિથી પોતાના નામે ચૂંટ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સહિત અનેક મોટા નેતા ઉપસ્થિત રહૃાા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ પદના શપથ લીધા બાદ તીરથ સિંહ રાવતને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર શુભેચ્છા. તેમની પાસે લાંબો પ્રશાસનિક અને સંગઠનાત્મક અનુભવ છે. મને વિશ્ર્વાસ છે કે તેમના નેતૃત્વમાં રાજ્ય નવી ઉંચાઈઓ પર પહોંચશે.
મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તીરથ સિંહ રાવતે કહૃાુ કે, હું બધાને સાથે લઈને ચાલીશ. મેં આરએસએસમાં બધાને સાથે લઈને ચાલવાની ટ્રેિંનગ લીધી છે. મેં પૂર્વ પીએમ અટલજીની સાથે કાર્યકર્તાના રૂપમાં કામ કર્યુ. અટલજીએ અમારી સાથે જમીન પર બેસીને ભોજન કર્યુ. ટ્રેનમાં થર્ડ ક્લાસમાં યાત્રા કરી જેથી મને પ્રેરણા મળી. મારી સફળતામાં સંઘમાંથી પ્રેરણા મળી. પત્ની, માતા-પિતા બધા સાથે છે.

આ પહેલા ધારાસભ્ય દૃળના નેતા તરીકે ચૂંટાયા બાદ તીરથ સિંહ રાવતે કહૃાુ, તમારા લોકોના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છું. હું નાના ગામમાંથી આવ્યો છું. ક્યારેય વિચાર્યુ નહતું કે મુખ્યમંત્રી બનીશ .આજે પણ કહી શકુ છું કે જે મોટી જવાબદારી આપી મેં તેને નિભાવી. આજે પણ જે જવાબદારી આપવામાં આવી છે, તમારા સહયોગથી તેને નિભાવીશ. પ્રદેશના સારા માટે કામ કરીશ, ટીમ ભાવનાથી આગળ વધીશું. ત્રિવેન્દ્ર જીએ જે પ્રદેશનો વિકાસ કર્યો છે, છેલ્લા ૧૦ વર્ષમાં આવુ કામ થયું નથી. હું તેને આગળ લઈ જવાનો છું.

તીરથ સિંહનો જન્મ ૯ એપ્રિલ ૧૯૬૪ના પૌડી ગઢવાલમાં થયો હતો. વર્તમાનમાં તેઓ પૌડી લોકસભા સીટથી સાંસદ છે. આ પહેલા તેઓ ચૌબટ્ટાખાલ વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે.