હોસ્પિટલમાંથી પ્લાઝમાના 70 યુનિટની ચોરી થતા ખળભળાટ, ટેકનિશિયન સસ્પેન્ડ

હોસ્પિટલમાંથી પ્લાઝમાના 70 યુનિટની ચોરી થતા ખળભળાટ, ટેકનિશિયન સસ્પેન્ડ
હોસ્પિટલમાંથી પ્લાઝમાના 70 યુનિટની ચોરી થતા ખળભળાટ, ટેકનિશિયન સસ્પેન્ડ

 રાજસ્થાનની રાજધાની જયપુર આવેલી જેકે લોન હોસ્પિટલમાંથી પ્લાઝમાના 70 યુનિટની ચોરી થઈ છે. પ્લાઝમા ચોરીની ઘટના સામે આવતા જ હોસ્પિટલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગે MMS પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે વધુ તપાસ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત બ્લડ બેંકના ઈન્ચાર્જ ડૉ.સતેન્દ્ર સિંહની બદલી કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસમાં જોડાઈ ગઈ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, સવાઈ માનસિંહ મેડિકલ કોલેજ સાથે જોડાયેલ જેકે લૉન હોસ્પિટલની બ્લડ બેંકમાંથી 70  પ્લાઝમાના યુનિટની ચોરી થઈ હતી. ગત શનિવારે રાત્રે આ બનાવની ખબર પડી હતી. પ્લાઝમા ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં જ હોસ્પિટલના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા આ મામલે તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં બ્લડ બેંકના ટેકનિશિયન કિશન સહાય પર પ્લાઝમા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દરેક પાસાંઓથી આ કેસની તપાસ કરી રહી છે.

લગભગ 4 કરોડ રૂપિયાના પ્લાઝમાનું વેચાણ થાય છે

આ અંગે મળતી માહિતી પ્રમાણે, હોસ્પિટલ પ્રશાસન દ્વારા પ્લાઝમાનું ટેન્ડરિંગ કરીને રસીકરણ યુનિટને વેચાણ કરવામાં આવે છે. ફેક્સીનેસન યુનિટ પ્લાઝમામાંથી પ્રોટીન નીકાળવામાં આવે છે. દર વર્ષે SSS મેડિકલ કોલેજમાંથી આશરે રુપિયા 4 કરોડના પ્લાઝ્માનું વેચાણ થાય છે. એક લીટર પ્લાઝમાની કિંમત આશરે 3900 રુપિયા છે. પ્લાઝમા ચોરીના કેસની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી.

ટેકનિશિયન કિશન સહાયને સસ્પેન્ડ કરાયા

ત્યાર બાદ આ સંદર્ભે એફઆઈઆર દાખલ થતાની સાથે આરોગ્ય વિભાગના એસીએસની સૂચના પર ઈન્ટરનલ તપાસ માટે ચાર સભ્યોની કમિટિની રચના કરવામાં આવી છે. ડો.સુશીલ પરમાર, ડો.કેસરી સિંહ શેખાવત, નાણાકીય સલાહકાર સુરેશ જૈન અને ડ્રગ કંટ્રોલર અજય ફાટકને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમજ આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બ્લડ બેંકના ઈન્ચાર્જ ડૉ.સતેન્દ્ર સિંહની બદલી કરવામાં આવી છે. આરોપી ટેકનિશિયન કિશન સહાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.