હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો

હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો
હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો

દિલ્હીની મોટી મોટી શાળાઓમાં પોતાના વ્હાલાસોયા બાળકોનું એડમિશન કરાવવા ઈચ્છતા માતા પિતા હવે ક્લાસરૃમમાં જો એસીની સુવિધા ઈચ્છતા હોય તો તેનો ખર્ચો ભોગવવા માટે પણ તૈયાર રહે. દિલ્હી હાઈકોર્ટે શાળામાં એસીનો ચાર્જ વસૂલવા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે એસી બાળકોની સુવિધા માટે લગાવવામાં આવે છે. આવામાં શાળા એકલી કેમ તેનો ખર્ચો ઉઠાવે?

વાત જાણે એમ છે કે દિલ્હીની પબ્લિક સ્કૂલમાં નવમાં ધોરણના વિદ્યાર્થીના પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને શાળા તરફથી એસી ચાર્જ વસૂલવા મુદ્દે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. અરજીમાં કહેવાયું હતું કે શાળા એસીના નામ પર દર મહિને ૨૦૦૦ રૃપિયા વધારાની ફી વસૂલે છે. માતા પિતાનો એવો તર્ક હતો કે વિદ્યાર્થીઓને એસીની સુવિધા આપવાની જવાબદારી શાળા મેનેજમેન્ટની છે. આથી તેમણે પોતાના ફંડથી તેનો ખર્ચો ઉઠાવવો જોઈએ. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે શાળા મેનેજમેન્ટ એકલા એસીનો ખર્ચો કેમ ઉઠાવે? વાલીઓએ પણ તેમાં ફાળો આપવો જોઈએ. કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે એસી બાળકોની સુવિધા માટે લગાવવામાં આવે છે અને ચલાવવામાં આવે છે. આવામાં શાળા એકલી કેમ તેના ખર્ચનો બોજો ઉઠાવે? આ સુવિધા લેબ જેવી સુવિધાઓથી અલગ નથી. શાળા મેનેજમેન્ટ તરફથી કહેવાયું કે એસીની ફી રસીદમાં નોંધાયેલી છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડાની બેન્ચે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલ એડમિશનનો સમય છે. વાલીઓ પોતાના બાળકોનું એડમિશન કરાવતા પહેલા નિયમો, શરતો, ફી અને અન્ય બાબતો ધ્યાનથી વાંચે અને સમજે. કારણ કે અનેક સુવિધાઓ અધ્યયન અધ્યાપનથી અલગ હોય છે.