સોશિયલ મીડિયા પર વધુ લાઈક અને વ્યૂઝની લાલચમાં જંગલમાં ચાંપી આગ

સોશિયલ મીડિયા પર વધુ લાઈક અને વ્યૂઝની લાલચમાં જંગલમાં ચાંપી આગ
સોશિયલ મીડિયા પર વધુ લાઈક અને વ્યૂઝની લાલચમાં જંગલમાં ચાંપી આગ

ઉત્તરાખંડની ચમોલી જિલ્લા પોલીસે દેહરાદૂનથી લગભગ 260 કિલોમીટર દૂર આવેલા ચમોલી જિલ્લાના ગૈરસૈંણ વિસ્તારના જંગલમાં આગ ચાંપી દેવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલ ત્રણેય આરોપી મૂળ બિહારના રહેવાસી છે. આ આરોપીઓએ કથિત રીતે સોશિયલ મીડિયા પર વધુ લાઈક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવા માટે જંગલમાં આગ લગાવીને આ ઘટનાનો વીડિયો બનાવીને પોતે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. 

અધિકારીઓએ કહ્યું કે, પોલીસે ઓનલાઈન વીડિયો વાયરલ કરવાની ઘટનાને ધ્યાનમાં લીધા બાદ શનિવારે સાંજે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની ઓળખ બિહારના નિવાસી બ્રજેશ કુંવર, સુખલાલ અને સલમાન તરીકે થઈ છે. 

ચમોલીના પોલીસ અધિક્ષક સર્વેશ પંવરે જણાવ્યું કે, ગૈરસૈંણ પોલીસ સ્ટેશન હેઠળ આવનારા પાંડુખાલ ગામના વાયરલ વિડિયોના આધારે પોલીસે ત્રણ આરોપીઓને શોધીને તેની ધરપકડ કરી લીધી હતી. મૂળ બિહારના નિવાસી ત્રણેય આરોપીઓ ત્યાં મજૂરી કરે છે. 

એસપીએ કહ્યું કે, પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ જણાવ્યું કે, તેઓ નાટકીય વીડિયો સાથે સોશિયલ મીડિયા પર પોતાની લોકપ્રિયતા વધારવા માટે વધુ લાઈક અને ફોલોઅર્સ મેળવવા માગતા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, ત્રણેય લોકો પર ફોરેસ્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જાહેર જનતાને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવા વિનંતી કરી અને ભારપૂર્વક જણાવ્યું કે જંગલમાં આગ લગાડવી અથવા તેને પ્રોત્સાહન આપવું એ ગુનાહિત કૃત્ય છે અને તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે પણ દોષિત જણાશે તેની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.