સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા

સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા
સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા

 મહેમદાવાદ તાલુકાના વાંઠવાડીમાં રહેતો અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો ક્રિમિનલ માઇન્ડ ધરાવતા શખ્સે બે વર્ષ અગાઉ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં નડિયાદના ત્રીજા જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ અને સ્પે.જજ (પોકસો)ની કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. 

વાંઠવાડીમાં રહેતો વિનોદભાઈ ઉર્ફે ડગરી ચૌહાણે પોતાની સગી દીકરીને તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તા.૨૩ મે ૨૦૨૨ના રોજ  દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે દીકરીએ પોતાના પિતા વિરૂદ્ધ  મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ  ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદના ત્રીજા જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ અને સ્પે.જજ (પોકસો) એસ.પી.રાહતકરની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલની દલીલો, દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને કુદરતી બાકી જીવન સુધીની એટલે કે આજીવન કેદની સજા ફટકારી અને રૂ.૫૧,૦૦૦ દંડનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ભોગ બનનારને દંડની રકમમાંથી રૂ.૪,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલો છે.વાંઠવાડીના કુખ્યાત બુટલેગર વિનોદ ડગરીને નડિયાદ કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા કરી છે. ત્યારે સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના હેવાનિયત ભરેલા કૃત્ય સામે આંખ મિચાંમણાં કરનાર જનેતાની ઉશ્કેરાયેલા સગા દીકરાએ અગાઉ હત્યા કરી નાંખી હતી. હાલ તે જેલમાં હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ શહેરમાં થોડા વર્ષો અગાઉ ઝેરી દેશી દારૂ પીવાથી મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હતા. આ લઠ્ઠાકાંડમાં વાંઠવાડીના કુખ્યાત બુટલેગર વિનોદ ડગરીએ દેશી દારૂ મોકલ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ લઠ્ઠાકાંડ કેસમાં વિનોદ ડગરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.