શેરબજારમાં ફરી હર્ષદ મહેતા-કેતન પારેખ યુગના દિવસો

શેરબજારમાં ફરી હર્ષદ મહેતા-કેતન પારેખ યુગના દિવસો
શેરબજારમાં ફરી હર્ષદ મહેતા-કેતન પારેખ યુગના દિવસો

શેરબજારમાં કરોડો રૂપિયાના કૌભાંડો આચરીને માર્કેટને ધ્રુજાવનારા અને ઇન્વેસ્ટરોને પાયમાલ કરી દેનારા હર્ષદ મહેતા તથા કેતન પારેખ કાળના દિવસો ફરી આવી ગયા છે અને રેકોર્ડ બ્રેક તેજીમાં રહેલા માર્કેટમાં અનેકવિધ ગોટાળાથી ગમે ત્યારે ઇન્વેસ્ટરોને મોટી નુકશાની સહન કરવાનો વખત આવે તેમ હોવાની ચેતવણી જાણીતા ઉદ્યોગ જુથ આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ ઉચ્ચારી છે.

તેઓએ કહ્યું કે, ગુજરાતી-મારવાડી શેરબ્રોકરો સાથે સાંઠગાંઠ રચીને કંપની પ્રમોટરો નફાની એન્ટ્રી લઇને અવાસ્તવિક નફો દર્શાવી રહ્યા છે અને તેના આધારે પોત પોતાની કંપનીઓના શેરોના ભાવોને ઉંચે ચડાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને તેઓએ કહ્યું કે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે કોલકત્તા જેવા શહેરોમાં ગેરરીતિ-ગોટાળા શરૂ થઇ ગયા છે.

કંપની પ્રમોટરો ખોટો-બનાવટી નફો દર્શાવી રહ્યા છે. ખોટી એન્ટ્રી મેળવીને ધરખમ નફો બતાવ્યાના આધારે મારવાડી-ગુજરાતી બ્રોકરો સાથે સાંઠગાંઠ કરીને શેરના ભાવ અવાસ્તવિક સ્તરે પહોંચાડી રહ્યા છે. સેબી તથા નાણાં મંત્રાલયે દાખલ થવાનો સમય આવી ગયો છે અન્યથા નાના ઇન્વેસ્ટરોને મોટી નુકશાની વેઠવાનો વખત આવશે.

તેઓએ નાણાં મંત્રાલય તથા સેબીને એવી અપીલ કરી હતી કે ઇન્વેસ્ટરોને સંભવિત નુકશાનીમાંથી રોકવા માટે અત્યારથી જ તપાસ કરવામાં આવે. શેરબજારમાં શુક્રવારે  જબરો કડાકો સર્જાયો હતો. ઉપરાંત વોલાટીલીટી ઇન્ડેક્સ પણ ચિંતાના સ્તરે આવ્યાને પગલે ગોએન્કા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું.

શેરબજારના જાણકારોએ એમ કહ્યું કે ચૂંટણી બાદ નવી સરકાર આવકવેરા કાયદામાં ધરખમ બદલાવ કરશે તેવી વાત ફેલાતા ગભરાટની અસરે કડાકો બોલી ગયો હતો. જો કે, નાણાં મંત્રી નિર્મલા સિતારામને આ વાતને ગપગોળો ગણાવીને નકારી કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,1990ના દાયકામાં હર્ષદ મહેતા તથા કેતન પારેખે વિવિધ છટકબારીઓનો ઉપયોગ કરીને શેરબજારમાં કૃત્રિમ તેજી સર્જી હતી અને કૌભાંડ ખુલ્લું પડતા પ્રચંડ કડાકા સર્જાયા હતાં.