શેરબજારમાં કામકાજના કલાકો નહીં વધે

શેરબજારમાં કામકાજના કલાકો નહીં વધે
શેરબજારમાં કામકાજના કલાકો નહીં વધે

 શેરબજારમાં કામકાજનાં કલાકો વધારવાની દરખાસ્ત સેબીએ પરત કરી દીધી છે અને હાલ તુર્ત આ હિલચાલ પર પડદો પડી ગયો છે. ડેરીવેટીવ્ઝ ફયુચર ટ્રેડીંગમાં કામકાજનો સમય વધારવાના મુદ્દે શેરબ્રોકરો વચ્ચે સર્વસંમતિ ન થતા આ દરખાસ્તને બ્રેક મારવામાં આવી છે.

શેરબજારમાં હાલ કામકાજનો સમય સવારે 9-15 થી બપોરે 3-30 સુધીનો છે. આ સમય બાદ ભારત કે વૈશ્વિક સ્તરે કોઈ મોટા ઘટનાક્રમો સર્જાય તો બીજા દિવસે ઉઘડતામાં જ મોટો પ્રત્યાઘાત સર્જાય છે અને માર્કેટમાં ઉથલપાથલને કારણે ઈન્વેસ્ટરોને મોટી નફા-નુકશાનીનો વખત આવે છે. આ દરમ્યાન ગીફટ નીફટી ચાલુ રહેતી હોવાથી મોટા માથાઓને વેપાર ગોઠવવાની મોટા માથાઓને વેપાર ગોઠવણની તક મળી જતી હોય છે.

આ સંજોગોમાં સાંજે 6 થી રાત્રે 9 કલાક કામકાજ માટે વધારાનું સેશન હાથ ધરવા નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી.સેબીએ બ્રોકરો સહિતનાં વર્ગોનાં અભિપ્રાયો મેળવવા માટે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી. પરંતુ સર્વસંમતિ ન થવાથી દરખાસ્ત પરત મોકલી દેવામાં આવી છે.

 એનએસઈનાં સીઈઓ આશીષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે સેબીએ દરખાસ્ત પરત કરી દીધી હોવાથી ટ્રેડીંગ ટાઈમ વધારવાની હાલ તુર્ત કોઈ દરખાસ્ત નથી. હાલ આ હિલચાલ પર પડદો પાડી દેવામાં આવ્યો છે.

શેરબજારો પાસે ફયુચર માર્કેટમાં કામકાજના કલાકો રાત્રે 11.55 વાગ્યા સુધી કેશ માર્કેટનું ટ્રેડીંગ સાંજે 5 સુધી વધારવાના અધિકાર છે.પરંતુ આ માટે સેબીની મંજુરી મેળવવાની છે એનએસઈ દ્વારા સાંજે 6 થી 9 ના સેશન માટે મંજુરી માંગવામાં આવી હતી.

શેરબજારમાં ટ્રેડીંગ વધતા આવક-વોલ્યુમ-કમાણી વધી શકે. પરંતુ શેરબ્રોકરોનું જીવન સંતુલન ખોરવાઈ જાય તેમ છે. એક વર્ગે સમર્થન કર્યું હતું.બીજા વર્ગે વિરોધ કર્યો હતો સ્ટાફ-ટેકનોલોજી વગેરેમાં પણ મોટુ રોકાણ કરવુ પડે તેમ હતું. સર્વસંમતિ ન થતા સેબીએ દરખાસ્ત નકારી છે.