વિશ્વની સૌથી વધુ ખતરનાક અને અજાયબ ગુફા

વિશ્વની સૌથી વધુ ખતરનાક અને અજાયબ ગુફા
વિશ્વની સૌથી વધુ ખતરનાક અને અજાયબ ગુફા

કે ન્યા આફ્રિકા ખંડમાં આવેલ દેશ છે.  આ દેશ ઉપરથી ભૌગોલિક વિષુવવૃત પસાર થાય છે.  જે પૃથ્વીના મધ્ય ભાગમાં હોવાથી સૂર્યના કિરણો સીધા પડે છે. અહીં  રેઇન ફોરેસ્ટ એટલે કે  વર્ષાવનથી આચ્છાદિત  હરિયાળા જંગલો આવેલા છે.  વિષુવવૃત ઉપર આવેલ દેશ હોવાથી, અહીંના વાતાવરણમાં ઊંચું તાપમાન અને ભેજ પણ જોવા મળે છે.  જે વિવિધ પ્રકારના રોગ  માટે જવાબદાર સૂક્ષ્મ જીવોને અનુકૂળ પર્યાવરણ પૂરું પાડે છે. કેન્યા અને યુગાન્ડાની સરહદ નજીક માઉન્ટ એલ્ગોન નામનો નિષ્ક્રિય જ્વાળામુખી આવેલ છે.  તેની આસપાસનો પ્રદેશ, માઉન્ટ એલ્ગોન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. માઉન્ટ એલ્ગોન રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનું એક વિશેષ સ્થાન એલ્કોની ગુફાઓ છે.  જેમાં ચાર ગુફાઓ મુખ્ય છે. કિતુમ, ચેપન્યાલિલ, મેકિંગેની અને રોંગાઈ. કિતુમ ગુફા ભુગર્ભમાં ૨૦૦ મીટરથી વધુ વિસ્તરે છે, જ્યારે મેકિંગેની પ્રવેશદ્વારની આજુબાજુ એક ધોધ ધરાવતી ગુફા છે. ચારેય ગુફાઓમાં મેકિંગેની સૌથી અદભૂત છે.  કેન્યાની એલ્કોની ગુફાઓમાં વિશ્વની વધુ  ખતરનાક અને  અજાયબ ગુફા આવેલી છે.  જેનું નામ છે : ‘કિતુમ’.   તમને યાદ હશે કે  કોરોનાના વાયરસની ઉત્પત્તિ,  ચીનની એક ગુફામાંથી થઈ હોવાનું બહાર આવ્યું હતું.  જ્યાં  અંધકારમય ગુફામાં  ચામાચીડિયાની  પુષ્કળ વસ્તી હતી.  આવું જ વાતાવરણ  ‘કિતુમ’ની  ગુફામાં સર્જન પામી રહ્યું છે.  ભૂતકાળમાં આ ગુફામાંથી  ખતરનાક મારબર્ગ વાયરસ,  માનવ વસ્તીમાં પહોંચવામાં સફળ રહ્યો છે.  વિજ્ઞાનીઓ  માની રહ્યા છે કે , ભવિષ્યમાં મનુષ્યના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે તેવા  જીવાણુ  અને વિષાણુઓ, ‘કિતુમ’માંથી બહાર આવી શકે છે.  શા માટે  વિજ્ઞાન જગત , કિતુમ ગુફાને વિશ્વની સૌથી વધુ  ખતરનાક, જીવલેણ અને  કુદરતી અજાયબીથી ભરેલી માને છે?

૯૮૦માં કિતુમ ગુફાની નજીક આવેલ ખાંડની એક ફેક્ટરીમાં ફ્રેન્ચ એન્જિનિયર કામ કરતો હતો. કુતુહલવશ તેણે કિતુમ ગુફાની મુલાકાત લીધી હતી. આ ગુફાની મુલાકાત લીધી ત્યારે,  તેને ખ્યાલ ન હતો કે તે મોતના મુખમાં પગ મૂકી રહ્યો છે. ગુફાના સંપર્કમાં આવવાથી, તેને શરીરના કોષોને ઓગાળી નાખે તેવા ખતરનાક મારબર્ગ વાયરસનો ચેપ લાગ્યો હતો. તેના ચહેરામાં જોડાયેલી પેશીઓ ઓગળી ગઈ હતી.  તેનો ચહેરો, ખોપરીના હાડકા ઉપરથી લટકતો હોય તેઓ દેખાતો હતો. સાત વર્ષ બાદ આવી જ બીજી ઘટના  બની હતી.  સ્કૂલનો  ડેનિશ છોકરો, તેના પરિવાર સાથે વેકેશન પર  ગયો હતો.  તેણે આ ગુફાની મુલાકાત લીધી હતી. જેનું મૃત્યુ હેમોરહેજિક વાયરસથી થયું હતું. ૧૯૮૦ અને ૧૯૮૭માં કિતુમના મુલાકાતીઓ મારબર્ગ વાયરસથી સંક્રમિત થયા હતા. જે એક ભયાનક બીમારી છે. જે ખૂબ જાણીતા ઇબોલા વાયરસ સાથે નજીકથી જોડાયેલી છે. મારબર્ગ વાયરસની બીમારી ફાટી નીકળવાનો શ્રેય ચામાચીડિયા (કે જેઓ ગુફામાં રહે છે) અને તેમના છાણને આભારી છે. 

નોંધનીય છેકે આવા સનસનાટીભર્યા અને  સ્વાસ્થ્ય માટે જોખમી  વાયરસ ધરાવતા સ્થળને લગતા  અહેવાલો, મીડિયામાં છપાવતા હોવા છતાં, દર  વર્ષે હજારો લોકો કોઈ ખરાબ અસર વિના કિતુમ ગુફાની મુલાકાત લે છે. ધ હોટ ઝોન – રિચર્ડ પ્રેસ્ટનનું પુસ્તક, મારબર્ગ વાયરસ અને વાયરસના ભંડાર તરીકે કુખ્યાત બનેલ ગુફા વિશે વધુ જાણવા માટે વાંચવું જોઈએ.  કેટલાક ઇતિહાસકારો દાવો કરે છે કે  ૧૮૮૫માં સુપર બેસ્ટ  સાબિત થયેલ પુસ્તક ‘કિંગ સોલોમોન્સ માઇન્સ’  લખવાની પ્રેરણા,  તેના લેખક રાઇડર હેગાર્ડને,  માઉન્ટ એલ્ગોન  નેશનલ પાર્ક જોયા પછી ( અને કદાચ જોસેફ થોમસનનું  ‘થુ્ર માસાઈલેન્ડ’ પુસ્તક વાંચ્યા પછી) મળી હતી.  જ્યારે વિજ્ઞાનીઓએ કિતુમ ગુફાની  પ્રથમવાર મુલાકાત લીધી ત્યારે,  તેઓ જાણતા ન હતા કે ગુફામાં પડેલ પથ્થરનો ભંગાર અને દિવાલોમાં દેખાતા ખાચાઓ અને તૂટેલા ભાગની રચના શા કારણે થઈ હતી?  પહેલા તે લોકોએ અનુમાન કર્યું હતું કે પ્રાચીન ઇજિપ્તના મજૂરોએ સોના અને હીરાની શોધમાં ગુફાને આ રીતે ઉઝેડી નાખી હશે! 

ગુફામાં વૈજ્ઞાનિક સંશોધનની કથા 

૧૯૮૦ના દાયકાની ઘટનાઓ પછી, યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફેકિયસ ડિસીઝ (USAMRIID) એ  કિતુમ ગુફામાં,  જીવાણું અને વિષાણુ  શોધવા માટેનું  મેડિકલ  અભિયાન શરૂ કર્યું  હતું.  આ અભિયાનમાં  વિજ્ઞાનીઓએ  સ્વરક્ષણ માટે  દબાણયુક્ત, ફિલ્ટર કરેલ રેકલ સૂટ પહેર્યા હતા, પરંતુ માનવોમાં જીવલેણ રોગાણુઓના ફેલાવા માટે જવાબદાર પ્રજાતિઓને ઓળખવા માટે,  તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડયો હતો. દાયકાઓ બાદ, ૨૦૦૭માં  વિજ્ઞાનીઓ અહીંની ગુફામાં વસનાર, સ્વસ્થ ઇજિપ્તીયન ફ્રુટ બેટ (રૂસેટસ  એજીપ્ટિયાકસ) ચામાચીડિયાની  પ્રજાતિમાં, મારબર્ગ આરએનએ  શોધી શક્યા હતા. સગર્ભા માદા ચામાચીડિયાના યકૃત, બરોળ અને ફેફસાની  પેશીઓમાં જીવલેણ વાયરસ હાજર હતા. મજાની વાત એ હતી કે આ વાયરસથી બચવા માટે, ઈજિપ્તીયન ફળના ચામાચીડિયાની અંદર રક્ષણાત્મક ‘ટાઈપ ૧ ઈન્ટરફેરોન જનીનો’  જોવા મળ્યા હતા.  ઉપરાંત કુદરતી કિલર  તરીકે ઓળખાતા ‘એનકે’ સેલ રીસેપ્ટર્સ મળી આવ્યા  હતા. 

બોસ્ટન યુનિવર્સિટીના માઇક્રા ેબાયોલોજિસ્ટ સ્ટેફની પાવલોવિચે, ઇન-હાઉસ પ્રકાશન ‘ધ બ્રિંક’માં  જણાવ્યું હતું કે ‘આ પહેંલા વિજ્ઞાનીઓએ અસંખ્ય ચામાચીડિયાના જેનોમ ઉકેલી ચુક્યા હતા, પણ કોઈ પણ ચામાચીડિયાની અંદર, તેમને ઈજિપ્તીયન ફળ  ચામાચીડિયામાં જોવા મળેલ, ટાઈપ ૧ ઈન્ટરફેરોન જનીનો અને ‘એનકે’ સેલ રીસેપ્ટર્સ જોવા મળ્યા ન હતા. ગયા વર્ષે, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમો સમગ્ર આફ્રિકામાં તૈનાત કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા અહીં ફાટી નીકળેલા મારબર્ગ વાયરસના હુમલા સામે, રક્ષણ મેળવવા માટે  ‘સંપૂર્ણ ગરમ વરાળ’નો પ્રયોગ કર્યો હતો. જો કે ત્યાર પછી પણ સમગ્ર આફ્રિકા ખંડની  અન્ય ગુફાઓમાં મારબર્ગ વાયરસની  હાજરી મળી આવી હતી. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કોરોના વાયરસ પછી હવે મારબર્ગ વાયરસ  દ્વારા  વાયરલ હેમરેજીક  ફીવર (VHF) નામનો વૈશ્વિક રોગચાળો ફેલાશે તેવી ચેતવણી આપી રહી છે.

પ્રાણીઓ સાથેનો પ્રાકૃતિક સબંધ

આજથી લગભગ ૭૦ લાખ વર્ષ પહેલા, માઉન્ટ એલ્ગોન  જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.  આસપાસના જંગલને તેણે રાખમાં ફેરવી નાખ્યો હતો.  જ્યાં  લાવા પહોંચ્યો નહીં ત્યાંથી,  રેઇન ફોરેસ્ટ  શરૂ થાય છે.  જો તમે એવું અનુમાન કરતા હો કે આ ગુફા નિષ્ક્રિય જ્વાળામુખીની નજીક આવેલું હોવાથી અને  જ્વાળામુખી સાથે લગભગ  ૨૦૦ મીટર લંબાઈથી જોડાયેલી હોવાથી, ગુફા  લાવારસ ઠરીને ટયુબની  રચના થવાથી બની હશે!  તો તમારું અનુમાન ખોટું છે.  હકીકતમાં આ ગુફા  રેન ફોરેસ્ટમાં આવેલ ભૂમિ, પથ્થર સમાન બની જતા બની છે. આજે અહીંની ગુફામાંથી મગર, હિપ્પો અને હાથીઓ જેવા પ્રાણીઓના  અશ્મિઓ મળી આવે છે. આ ગુફા સદીઓથી  મીઠાની ખાણ તરીકે ઓળખાય છે. તમારે જો આ કિતુમ ગુફા  તેના પ્રાકૃતિક  સ્વરૂપ અને  સજીવો સાથે જોવાની  ઈચ્છા હોય તો,  તમે શ્રેષ્ઠ આશા  ધરાવો છો, પરંતુ દુર્ભાગ્યે આ ગુફાની આસપાસ  ખારાસ પ્રેમી જીવોની સંખ્યામાં વર્ષોથી ઘટાડો થયે  રાખે છે.  આ ગુફામાં સદીઓથી હાથી, મીઠા જેવાં ઉપયોગી ખનીજ તત્વ મેળવવા માટે આવે છે. ગુફાના પથ્થરને તોડીને ચાવી જાય છે. તેની આ પ્રવૃત્તિના કારણે  ગુફાનું કદ વિસ્તરી રહ્યું છે.  હાથી અને ગુફા વચ્ચેનો  સબંધ બીબીસી ફૂટેજમાં કેપ્ચર કરવામાં  આવ્યો છે. જે ‘એલિફન્ટ કેવ’  સહિત અનેક પ્રાકૃતિક ઇતિહાસની વિડિઓ શ્રેણીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત બુશબક, ભેંસ અને હાયનાસ સહિતના અન્ય પ્રાણીઓ પણ, હાથીઓ દ્વારા છોડવામાં આવેલ મીઠું ખાવા માટે કિતુમ ગુફાની મુલાકાત લે છે.  માત્ર હાથી જ આ ગુફામાં આવે છે તેવું નથી, પશ્ચિમી કેન્યાની ભેંસ, કાળિયાર, ચિત્તો અને  શિયાળ જેવી પ્રજાતિ હાયનાએ, કિતુમની ગુફાને  પ્રાણીજન્ય – ઝૂનોટિક રોગો માટે,  સૂક્ષ્મ જીવાણુ  અને વિષાણુ ઉછેરવાના ઇન્ક્યુબેટરમાં ફેરવી દીધું છે. ગુફાના ઊંડાણ વિસ્તારમાં જાઓ તો તમને ફળ ખાનારા અને જંતુભક્ષી ચામાચીડિયા  જેવા કે ‘બેટ ગુઆનો’ની પ્રજાતિ જોવા મળે છે.  આજે જંગલમાં અજાયબી જેવી લાગતી કિતુમ ગુફા, મનુષ્ય પ્રજાતિ  માટે ખતરો બને તેવા જીવાણું અને  વિષાણુનું  પ્રાકૃતિક સંગ્રહાલય બની ગયું છે, તેમ યુનાઇટેડ નેશન્સની યાદી જણાવે છે.

ફિલોવાયરસ : મારબર્ગ વાયરસ  અને ઇબોલાવાયરસનું કુટુંબ

૧૯૬૭માં વિજ્ઞાનીઓને પ્રથમવાર મારબર્ગ વાયરસની પ્રથમ ભાળ મળી આવી હતી. ૧૯૭૬માં વિજ્ઞાનીઓએ પ્રથમવાર ઇબોલા વાયરસની હાજરી  શોધી કાઢી હતી. મધ્ય આફ્રિકાના  ઉત્તર કોંગો બેસિનમાં આવેલી ઇબોલા નદી પરથી, આ વાયરસનું નામ ઇબોલા રાખવામાં  આવ્યું હતું.  જ્યાં પ્રથમ વાર આ વાયરસ દેખાયો હતો. ૧૯૬૭માં વિશ્વને પ્રથમવાર વાયરલ હેમરેજીક  ફીવર (VHF)ના કેસ જોવા મળ્યા હતા. જર્મનીના મારબર્ગમાં આવેલ  પ્રયોગશાળામાં, યુગાન્ડાથી આયાત કરાયેલા આફ્રિકન લીલા વાંદરાઓની (સેરકોપીથેકસ એથિઓપ્સ)  પ્રજાતિના અંગો અને કોષોની હેરફેર દરમિયાન,  અજાણ્યા વાયરસનો ચેપ લાગ્યો હતો.  ટૂંકા ગાળામાં વાયરલ હેમરેજીક  ફીવર (VHF)ના  ૩૨ કેસ વિજ્ઞાનીઓ સામે આવ્યા હતા.  ૧૯૭૫માં આફ્રિકાના જોનિસબર્ગમાં ત્રણ નવા કેસ નોંધાયા હતા.  મૃત્યુ પહેલા આ લોકોએ ઝિમ્બાબ્વેમાં  પ્રવાસ કર્યો હતો. ૧૯૮૭માં, પશ્ચિમ કેન્યાના સમાન પ્રદેશમાં એક જીવલેણ કેસ બન્યો. ૧૯૮૦ અને ૧૯૮૭ બંનેમાં  ચેપ લાગેલ દર્દીએ, માઉન્ટ એલ્ગોન પ્રદેશની કિતુમ ગુફા વિસ્તારમાં મુસાફરી કરી હતી. 

વિજ્ઞાનીઓએ ૧૯૬૭માં ફાટી નીકળેલા રોગ વાયરલ હેમરેજીક  ફીવર (VHF)નું મૂળ, અને રોગની શરૂઆત કરનાર વાંદરાઓનો સ્ત્રોત,  લેક ક્યોગો, યુગાન્ડા  પહોંચતો હોવાનું શોધી કાઢયું હતું. ૧૯૯૮માં મધ્ય આફ્રિકામાં  વાયરલ હેમરેજીક  ફીવરની મહામારી ફેલાયેલ જોવા મળી  હતી. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે વાયરલ હેમરેજીક  ફીવર માટે ફિલોવાયરસ જવાબદાર છે. ફિલોવિરિડી વાઇરસ સમૂહમાં બે જાતિઓનો સમાવેશ થાય છે. ૧.  મારબર્ગ વાયરસ અને ૨. ઇબોલાવાયરસ. હવે કોરોના વાયરસનો હાહાકાર જોયા પછી વિજ્ઞાનીઓ સાવચેત બની ગયા છે.  મેઘાવી માનવી ભૂતકાળમાં અનેકવાર વાયરસની મહામારીનો ભોગ બની ચુક્યો છે. આશા રાખીએ કે  ભવિષ્યમાં કિતુમની ગુફાના કારણે, નવાં પ્રાણીજન્ય વાયરસથી થતાં રોગ કે મહામારી ન ફેલાય.