રીવરફ્રન્ટ જેવું અટલ સરોવર લોકો માટે ખુલ્યું 

રીવરફ્રન્ટ જેવું અટલ સરોવર લોકો માટે ખુલ્યું 
રીવરફ્રન્ટ જેવું અટલ સરોવર લોકો માટે ખુલ્યું 

ગુજરાત રાજય સ્થાપના દિને આજે રાજકોટની હરવા ફરવાની શોખીન જનતાને મહાપાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત વિકસીત કરેલા સાબરમતી રીવરફ્રન્ટ જેવા અટલ સરોવરને કોઇ કાર્યક્રમ વગર સોંપ્યું છે. ચૂંટણી જાહેર થતા પહેલા મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યા બાદ આજથી સ્માર્ટ સીટી ખાતે રૂા. 136 કરોડનાં ખર્ચે આકાર લેનાર શાનદાર અટલ સરોવરને ખુલ્લુ મુકાયું છે. જેમાં મોટા વ્યકિતની ટીકીટ ફી રૂા. 25 અને બાળકોની ફી રૂા. 10 નકકી કરવામાં આવી છે. 

હાલ અટલ સરોવરના વિશાળ વિસ્તારમાં લોકોને જુદા જુદા ગાર્ડનમાં ફરવા મળશે તો રાઇડસ, બોટીંગ સહિતની એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા એક મહિનામાં મળતી થશે તેમ તંત્રએ જાહેર કર્યુ છે. બારે માસ આ તળાવ ભરેલુ રહે તેવું આયોજન હોય, નવા રીંગ રોડ પર ફરવાનું રેસકોર્સ જેવું નવું સ્થળ લોકોને મળશે. રાજકોટમાં લાલપરી અને રાંદરડા તળાવ બાદ છેલ્લા 40 થી 50 વર્ષમાં આ પહેલું એવું તળાવ બન્યું છે કે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 

વર્ષ 2019થી અટલ સરોવરનું કામ શરૂ થયું હતું. વિશાળ અટલ સરોવર ઉપરાંત વિવિધ રાઈડસ, નયનરમ્ય બગીચા, આંતરિક પાકા રસ્તા, વોકીંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર વગેરે આકર્ષણો જોવા મળશે. મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.સ્માર્ટ સીટી એટલે કે રૈયા ટી.પી. સ્કીમ નં. 32માં મનપા દ્વારા બેનમૂન અટલ સરોવરનું નિર્માણ 136 કરોડના ખર્ચે થયું છે.

અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી.છે.જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરમાં એજન્સી દ્વારા 15 વર્ષ સુધી નિભાવ મરામતની જવાબદારી રહેશે.જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, પર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઈન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર માટે બોટ આવી ચૂકી છે. પરંતુ સલામતીની વધુ ચકાસણી અને પ્રક્રિયાના કારણે હજુ બોટીંગ ઘણા સમય પછી શરૂ થશે. 

પાણીનો સંગ્રહ  આ તળાવમાં અંદાજે 477 મીલીયન લીટર પાણીનો સંગ્રહ થશે. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે. જેમાં વોટર બોડી 92837 ચો.મી. વિસ્તારમાં છે. આ વિસ્તારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની સુવિધા સાથે ગ્રામ હાટ માટે કુલ 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે ફલેગ પોલ પૈકી એકની ઉંચાઇ ગુજરાતમાં સૌથી ઉંચી 70 મીટરની છે. આ પ્રોજેકટ તા. 7-11-19ના રોજ શરૂ થયો હતો અને તા.7-3-2024ના રોજ પૂર્ણ થયો છે. 

► અટલ સરોવરના આકર્ષણ
– ગાર્ડન, સ્પે. ચિલ્ડ્રન ગાર્ડન
– ફેરીસ વ્હીલ
– બોટીંગ, ટોય ટ્રેન
– વોકવે, સાયકલ ટ્રેક, પાર્કિંગ
– બે એમ્ફી થીયેટર
– એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડ સ્કેપીંગ
– પાર્ટી પ્લોટ, ફૂડ કોટ, ગ્રામ હાટ
– બે ફલેગ માસ્ટ
એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા શરૂ થતા હજુ મહિનો નીકળી જશે.

► પશ્ચિમ રાજકોટના છેડે સ્માર્ટ સીટીમાં નિર્માણ પામેલા અટલ સરોવરને ઉદઘાટન બાદ આજે ગુજરાત સ્થાપના દિનથી  લોકો માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટની યાદ કરાવતા આ અટલ સરોવરના લાઇટીંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો લોકોમાં આકર્ષણ જગાવશે. તો એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા આવતા મહિને શરૂ થશે. તસ્વીરમાં સરોવરના અલગ અલગ ગાર્ડન અને લાઇટીંગ શોની ઝલક જોવા મળે છે.  (તસ્વીર : દેવેન અમરેલીયા)