સગીરાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરનારા બે યુવકો ટોળાનો ભોગ બનતાં મોત

સગીરાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરનારા બે યુવકો ટોળાનો ભોગ બનતાં મોત
સગીરાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરનારા બે યુવકો ટોળાનો ભોગ બનતાં મોત

મેઘાલયના પૂર્વી પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લામાં એક સગીરા પર બળાત્કારનો પ્રયત્ન કરવાના આરોપમાં એક ટોળાએ બે લોકોને માર મારીને મારી નાંખ્યા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટના શુક્રવારે બપોરે જિલ્લા મુખ્યાલય મૈરાંગના નોંગથ્લિવ ગામની છે. સગીરાનો આરોપ છે કે તે ઘરમાં એકલી હતી ત્યારે બે લોકોએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેના પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, પૂર્વી-પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લાના મુખ્યાલય મૈરાંગના નોંગથ્લિવ ગામમાં શુક્રવારે બપોરે સગીરા તેના ઘરમાં એકલી હતી ત્યારે બે પુરુષોએ ચાકુથી તેના પર હુમલો કર્યો હતો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

જોકે, સગીરાએ બૂમો પાડતા આજુબાજુમાંથી પડોશીઓ ત્યાં આવી ગયા હતા અને તેમણે બંને પુરુષોને પકડી લીધા હતા. બંનેને ઝડપી લીધા પછી તેમને નજીકના સામુદાયિક હોલમાં લઈ જવાયા હતા, જ્યાં બંને સાથે મારપીટ કરાઈ હતી. આ ઘટનાને પગલે લગભગ ૧૫૦૦ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. 

પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ટોળાએ બંને પુરુષોને પોલીસને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો. પોલીસ બંને પુરુષોને ટોળાના મારથી બચાવી શકી નહોતી. 

પોલીસ અધિકારીએ કહ્યું કે હોલમાંથી ભીડ જતી રહ્યા પછી બંને પુરુષોને અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના મોત નીપજ્યાં હતાં. 

એક પુરુષને તિરોટ સિંગ મેમોરિય સિવિલ હોસ્પિટલ અને બીજાને શિલાંગ સિવિલ હોસ્પિટલ મોકલાયો હતો. આ ઘટનામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. બંને મૃતક રાજ્યના અન્ય ભાગના રહેવાસી હતા. તેઓ નોંગથ્લિવમાં મજૂર તરીકે કામ કરતા હતા. 

દરમિયાન છત્તીસગઢના રાયપુર જિલ્લાના આરંગ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કલાઈ ગામમાં પણ એક સગીરા પર બળાત્કારનો કેસ સામે આવ્યો છે. જણાવાઈ રહ્યું છે કે આરોપી છ મહિનાથી લગ્નના ખોટા વચનો આપીને પીડિતાનું શોષણ કરી રહ્યો હતો. 

આ કેસમાં યુવકની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશન આવીને લેખીત અરજી આપી ફરિયાદ નોંધાવી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.