ભારતમાં નોકરીયાતોની સંખ્યા 58 કરોડ

ભારતમાં નોકરીયાતોની સંખ્યા 58 કરોડ
ભારતમાં નોકરીયાતોની સંખ્યા 58 કરોડ

આર્થિક ક્ષેત્રે અસામાન્ય વિકાસ સાધી રહેલા ભારતમાં નોકરીયાત વર્ગની સંખ્યામાં મોટો વધારો છે. નાણાંકીય વર્ષ 2022-23 માં નોકરીયાતોની સંખ્યા પાંચ ટકા વધીને 58 કરોડે પહોંચી હોવાનું રીઝર્વ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા અનુમાન રીપોર્ટમાં બહાર આવ્યું છે.

રિઝર્વ બેન્કનાં રીપોર્ટનાં પ્રાથમિક નિષ્કર્ષોમાં એમ કહેવાયું છે કે 2021-22 માં ભારતમાં નોકરીયાતોની સંખ્યા 55.3 કરોડ હતી તે 2022-23 માં 3 કરોડ વધી ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 11 કરોડ નવી નોકરી સર્જાઈ છે. 2017-18 માં નોકરીયાતોની સંખ્યા 47 કરોડ હતી. 2021-22 ના આંકડા પ્રમાણે સૌથી વધુ 23.7 કરોડ નોકરી-રોજગારી કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં રહી છે.

આ સિવાય બાંધકામ ક્ષેત્રમાં 6.8 કરોડ તથા વ્યાપાર-ઉદ્યોગમાં 6.3 કરોડ રોજગારીનું સર્જન થયુ હતું. સૌથી ઓછી 3.24 લાખ રોજગારી-નોકરી પેટ્રોલીયમ ઉત્પાદન તથા તેને સંલગ્ન ક્ષેત્રમાં ઉભી થઈ હતી. પ્લાસ્ટીક ઉદ્યોગમાં 13 લાખથી વધુ નોકરી સર્જાઈ હતી.

બેંગ્લોરની ડો.બી.આર.આંબેડકર સ્કુલ ઓફ ઈકોનોમિકસ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.એન.આર.ભાનુમૂર્તિએ કહ્યું કે બે વર્ષનાં ગાળા દરમ્યાન નોકરીઓમાં 2.7 કરોડની અંદાજીત વૃધ્ધિ મોટી સંખ્યા છે. ખાસ કરીને કોરોનાકાળમાં સંગઠીત તથા અસંગઠીત એમ બન્ને ક્ષેત્રો પ્રભાવીત થયા હતા. ત્યારે આ સંખ્યા મહત્વપૂર્ણ છે.

જાણીતા અર્થશાસ્ત્રી તથા ઈન્ટરનેશનલ ગ્રોથ સેન્ટરનાં ભારતના પૂર્વ વડા પ્રોનલ સેને કહ્યું કે ગત વર્ષોમાં કોરોનાને કારણે રોજગારીને મોટો ફટકો પડયો હતો તેને કારણે બેરોજગારી દર 3 ટકાથી વધીને 9 ટકા થયો હતો.  મહામારી દરમ્યાન બંધ થયેલી નોકરીઓ-રોજગારી ફરી ખુલ્લી હોવાનું માની શકાય છે.