ફાળો લેવા આવેલા કિન્નર ઉપર હથોડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

ફાળો લેવા આવેલા કિન્નર ઉપર હથોડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ
ફાળો લેવા આવેલા કિન્નર ઉપર હથોડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

  ગાંધીનગર શહેર નજીક અડાલજ ગામમાં ફાળો લેવા માટે ફરતા કિન્નરો સાથે બોલાચાલી કરીને હથોડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસે યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. જ્યારે ઘાયલ કિન્નરને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડા ખાતે જશવંત કોલોનીમાં રહેતા યુવરાજ હીરાલાલ રાજપુત ઉર્ફે નવ્યાદે કોહીનુરદે પાવૈયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે તે અને તેની સાથેના ગુરુભાઈ ખુશીદે કોહિનૂર પાવૈયા અને તેમનો ચેલો મોસમદે કનકદે પાવૈયા નરોડાથી રીક્ષા ભાડે કરીને અડાલજ વાવ પાસે નવી દુકાન ખુલી હોવાથી ભિક્ષા લેવા માટે ગયા હતા. આ દરમિયાન સામેની બાજુએ પણ દુકાનો આવેલી હોવાથી ત્યાં ભિક્ષા લેવા ગયા હતા તે સમયે એક વ્યક્તિ ત્યાં એમની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, અહીંયાથી નીકળી જાઓ મારી દુકાને ભૂલથી પણ પગ નહીં મૂકવાનો. આ દુકાનો વાળા શું કામ આ લોકોને આવવા દે છે તેમ કહીને ગાળા ગાળી કરી હતી. આ દરમિયાન ગાળો બોલવાની ના પાડતા આ ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને બાજુની દુકાનમાં ફનચરનું કામ ચાલતું હોવાથી ત્યાંથી દાતાવાળી હથોડી લઈ આવી હતી અને આ હથોડી ખુશીદે ના માથામાં મારી દીધી હતી અને જેના કારણે તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું તેમજ મોસમદેને પણ ખભા ઉપર ઇજા પહોંચી હતી. જેથી આસપાસના લોકોને પૂછતા હુમલો કરનાર આ ભાઈ ત્રિમંદિર અડાલજ ખાતે રહેતા વિરલ લાલજીભાઈ ગાલા હોવાનું બહાર આવ્યું હતું અને ઘાયલ ખુશીદેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ મામલે અડાલજ પોલીસ દ્વારા યુવાન સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.