દુબઇમાં ગુજરાત દિનની ઉજવણી

દુબઇમાં ગુજરાત દિનની ઉજવણી
દુબઇમાં ગુજરાત દિનની ઉજવણી

ગરવી ગુજરાતની ધરતીથી, સાત સમુદ્ર પાર, દુબઈ ખાતે, શનિવાર, ૨૭ એપ્રિલની સાંજે, DYINE- ENTERTAINMENT અને તેના ઉત્સાહી સંચાલકો ડો. વ્યાપ્તિ જોશી-પ્રશાંત જોશીની જોડીએ – ગુજરાત દિનને હેતથી  વધાવવા માટે – એક ભવ્ય કાર્યક્રમ ‘હસાયરો’નું આયોજન કર્યું હતું.

આ ‘DYINE’ જોડપું છેલ્લા પાંચ વર્ષોથી, ગુજરાતની પવિત્ર ભૂમિને  અને સુમધુર ગુજરાતી ભાષાની અસ્મિતાને સમર્પિત કાર્યક્રમો – ગુજરાત દિન (૧ મે) ને પ્રસંગે આયોજે છે. નોંધનીય છે, કે છેલ્લા પાંચ વર્ષો દરમ્યાનનાં દરેક કાર્યક્રમમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વારસા સાથે સંકળાયેલાં નવીનતમ કલાકારોને, દુબઈ ખાતે નિમંત્રીને રજૂ કરવામાં આવ્યાં છે. સહુથી અગત્યનું એ પણ છે કે આ કાર્યક્રમ દુબઈ, સહિત યુ. એ. ઈ. નાં તમામ ગુજરાતી પ્રેમીઓ માટે તદ્દન જ વિનામૂલ્ય ધોરણે પ્રસ્તુત થાય છે. એ જ પ્રથા આગળ ધપાવતાં આ વખતે પણ લોકગાયક, મોટિવેશનલ સ્પીકર તથા રમૂજ-કલાકાર શ્રી પારસ પાંધી અને તેમના સાથી કલાકારોનો કાર્યક્રમ આયોજિત થયો.

કાર્યક્રમની શરૂઆત શ્રી પ્રશાંત જોશીએ તમામ પ્રાયોજકો , સહકારીઓ તથા હાજર રહેલા સર્વે આબાલ-વૃદ્ઘ પ્રેક્ષકગણનો હાર્દિક આભાર વ્યકત કર્યા બાદ, શ્રી ગણપતિ વંદનાથી કરી. ત્યાર પછી લોક ગાયક માનસિંઘ ભાઈએ પોતાના અસલ કસુંબલ સ્વરોમાં શ્રી ગણપતિજી સહિત તમામ દેવી દેવતાઓની પ્રાર્થના કરીને લગભગ એક હજાર જેટલા ઉપસ્થીતોને, મંત્રમુગ્ધ કર્યા. તુરંત બાદ, કાર્યક્રમનાં મુખ્ય-માણેક પારસ પાંધીએ, પોતાની જ અલૌકિક અને મનોરંજક રમૂજ સભર શૈલીમાં અવિરત રીતે લગભગ ચાર કલાક સુધી હાજર પ્રેક્ષકોને લોકગીતો, શાયરી, વારસાગત સંસ્કારોની વાતો, અને નવી પેઢીને પ્રેરણાંમય સૂચનો પીરસ્યાં –. એમની પ્રસ્તુતીમાં માનસિંઘ ભાઈ સહિત અન્ય સહકારી વાદ્ય વૃંદ કસબીઓ, તબલા નવાજ તથા બુલબુલ વાદક પણ અદભુત ઉત્સાહ પૂર્વક ભાગીદાર રહ્યાં.

‘ગુજરાત છે અમૃત ધારા.. ગુજરાતી સૌથી પ્યારા’  જેવા જુસ્સાસભર ગીતથી સાંજનો સમાં બાંધવાની શરૂઆત થઈ, અને પછી હાસ્ય, વિનોદ, કટાક્ષ, સહિત લોકગીતો, લોક સાહિત્ય અને સંસ્કારોની વાતો રસપ્રદ રીતે વીણાતી ગઈ, અને પ્રેક્ષકો તેમાં તરબોળ થઈને આનંદ લૂટતા રહ્યાં .

ગુજરાત દિનનો કાર્યક્રમ, સંગીતને સથવારે કુશળ અને અજોડ ગાયક કલાકારો, અને સાથે હજારેક ગુજરાતીઓ હોય, અને ગરબા લેવાય નહીં; એ તો બને જ નહીં ને ! મધ્યાંતર પછી તુરંત જ, ચા-નાસ્તો કરીને પાછા ફરેલા તમામ હોશી પ્રેક્ષકો મન મૂકીને લગભગ વીસ મિનિટ સુધી માતાજીને ગરબે ઘૂમ્યા. ગરબા રમવાની અને ગાવાની અકલ્પનીય તક, ભારત દેશથી દૂર યુ.એ.ઈ. માં વસેલા ગુજ્જુઓને મળે તો એ કેમ છોડાય ? કાર્યક્રમ ફરીથી રંગાયો, બીજા સત્રમાં પણ એક થી એક ચઢિયાતાં ગીતો, પ્રેરણા દાયક પ્રસંગો, અને રમૂજી કિસ્સાઓ થી, આબાલ-વૃધ્ધ સહુ મંત્ર મુગ્ધ થઈ ગયાં. અને આ બધુ અપૂરતું હોય એમ, કાર્યક્રમ ની પૂર્ણાહૂતી; રાષ્ટ્રકવી શ્રી ઝવેરચંદ મેઘાણીનાં, સંસ્કારોથી સભર ‘શિવાજીનું હાલરડું’ તથા ‘રકત ટપકતી સો સો ગોળી સમરાંગણથી આવે’ જેવા શૂરવીરોના બલિદાનને બિરદાવીને અશ્રુભર અંજલિ અર્પણ કરતી પંકિતઓની પરાકાષ્ટા થી થઈ.

દુબઈ દેશની ધરતી પર , ગુજરાત દિનની આટલી ભવ્ય ઉજવણી, અને એ પણ વિનામૂલ્યે , કેવળ :  DYINE ENTERTAINMENT વાળા  ડો. વ્યાપ્તિ જોશી- પ્રશાંત જોશી જ કરી શકે, તેમને એવા અભિનંદન આપતાં આપતાં સંતુષ્ટ પ્રેક્ષકોએ વિદાય લીધી હતી.