તક્ષવીએ દેશને અપાવ્યુ અદ્વીતિય ગૌરવ, લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

તક્ષવીએ દેશને અપાવ્યુ અદ્વીતિય ગૌરવ, લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
તક્ષવીએ દેશને અપાવ્યુ અદ્વીતિય ગૌરવ, લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

માત્ર 6 વર્ષની ઉંમરના બાળક પાસે શું અપેક્ષા રખાય ? આપણને એમ થાય કે 6 વર્ષની ઉંમર એટલે તો રમકડાંઓથી રમવાની ઉંમર. 6 વર્ષની ઉંમર એટલે તો કાલી-ઘેલી ભાષામાં મોજ-મસ્તીની ઉંમર. પણ, આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદની માત્ર 6 વર્ષની નાનકડી બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં તક્ષવીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને આ માહિતી આપવામાં આવી છે. 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર 16 સેન્ટિમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી.

આપને જણાવી દઈએ કે તક્ષવીના માતા-પિતા બન્ને ડૉક્ટર છે. કોરોનાકાળમાં તેમણે તક્ષવીને રમત-ગમત સાથે જોડવાનો પ્રયાસ કર્યો. અને તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો. માત્ર 5 વર્ષની ઉંમરે તક્ષવીએ “અંડર સેવન”માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.

આ પહેલાં તક્ષવીએ સળંગ 22 ગોઠવાયેલી SUV કાર નીચેથી નીકળીને પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. તે એવી પહેલી ગુજરાતી છોકરી છે કે જેણે આ રીતે કાર નીચે “લિમ્બો સ્કેટિંગ” કર્યું હોય. સ્કેટિંગના વિવિધ પ્રકારમાં લિમ્બો સ્કેટિંગ ખૂબ જ અઘરું સ્કેટિંગ મનાય છે. પરંતુ, તક્ષવીએ આ સ્કેટિંગમાં મહારત હાંસલ કરી છે. અમદાવાદમાંથી એક માત્ર તક્ષવી જ છે કે જે લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે નામના મેળવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તક્ષવી પહેલાં જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. બાળકોના રમવાની ઉંમરે તક્ષવી. તેની સિદ્ધિથી સૌની પ્રશંસા મેળવી રહી છે.