ઠપકો આપવા જતાં દંપતીને મારી નાંખવાની ધમકી

ઠપકો આપવા જતાં દંપતીને મારી નાંખવાની ધમકી
ઠપકો આપવા જતાં દંપતીને મારી નાંખવાની ધમકી

ગઢડા શહેરમાં માનસિક અસ્થિર પુત્ર સાથે બાઈક ભટકાડવા બાબતે ઠપકો આપવા ગયેલા દંપતીને જાનથી મારી નાંખવા ધમકી આપી પાઈપ લઈ મારવા દોડયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ ગઢડા (સ્વામીના) શહેરની હુડકો સોસાયટીમાં રહેતા હારૂનભાઈ કાસમભાઈ તરકવાડિયા (ઉ.વ.૪૨)નો માનસિક અસ્થિર પુત્ર ઉવેશ ગઈકાલે બપોરના સમયે ખાટકીવાડના નાકે આવેલ ઘર પાસે રમતો હતો. ત્યારે રમજાન હનિફભાઈ લાખાણી નામના શખ્સે તેની સાથે બાઈક ભટકાડી હતી. જેથી હારૂનભાઈના પત્ની હમીદાબેનએ શખ્સને ઠપકો આપી ગાડી ધીમે ચલાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ જઈ ગાળો દીધી હતી. આ બનાવ બાદ સાંજના સમયે હારૂનભાઈ અને તેમના પત્ની ખાટકીવાડમાં રમજાનના ઘરે સમજાવવા ગયા હતા. ત્યારે હનિફ આદમભાઈ લાખાણી, રમજાન હનિફભાઈ લાખાણી, ખાલીદ હનિફભાઈ લાખાણી, ફેજલ હનિફભાઈ લાખાણી અને હનિફાબેન હનિફભાઈ લાખાણીએ ગાળો બોલી રોડ કયાં તારા બાપનો છે, ગાડી તો આમ જ ચલાવવાની છે, તારાથી જે થાય તે કરી લે તેમ કહી ખાલીદ લાખાણીએ પાઈપ લઈ મારવા પાછળ દોડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે હારૂનભાઈ તરકવાડિયાએ મહિલા સહિત પાંચ જણ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.