જાપાનમાં ‘ભાઈજાન’નો જલવો, ‘ટાઈગર 3’નું ઐતિહાસિક ઓપનિંગ કલેકશન

જાપાનમાં 'ભાઈજાન'નો જલવો, 'ટાઈગર 3'નું ઐતિહાસિક ઓપનિંગ કલેકશન
જાપાનમાં 'ભાઈજાન'નો જલવો, 'ટાઈગર 3'નું ઐતિહાસિક ઓપનિંગ કલેકશન

સલમાન ખાન અને કેટરીના કૈફની એક્શન ફિલ્મ ‘ટાઈગર 3’ 5મી મેના રોજ જાપાનમાં રિલીઝ થઈ છે. જાપાનમાં ભારતીય ફિલ્મોનો ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મો જાપાનમાં ખૂબ પૈસા કમાવે છે અને તેમાં પણ ભાઈજાન હોય તો પછી તો પૂછવું જ ક્યાંય. દક્ષિણના ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી નિર્દેશિત ફિલ્મ RRRના પરચા આપણે જાપાનમાં જોયા જ હતા. રાજામૌલી પોતે જાપાનમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા. હવે 12 નવેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 જાપાનમાં બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. શાનદાર ઓપનિંગ સાથે પ્રથમ દિવસના કલેક્શન સાથે ટાઈગરે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.

અંદાજે રૂ. 300 કરોડના બજેટ સાથે મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી એક્શન ફિલ્મ ટાઇગર 3 એ વિશ્વભરમાં રૂ. 450થી 465 કરોડનું કલેક્શન કર્યું હતું. સલમાન ખાનની આ ફિલ્મ દિવાળી 2023ના અવસર પર રિલીઝ થઈ હતી. યશ રાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા લખવામાં આવી હતી, જેમાં ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન અને ઋતિક રોશનનો એક્શન પેક્ડ કેમિયો હતો.

ટ્રેડ એનાલિસ્ટ નિશિત શૉના જણાવ્યા અનુસાર ‘ટાઈગર 3’એ જાપાનમાં સારી શરૂઆત કરી છે. પહેલા દિવસે 1.30 લાખ દર્શકો ‘ટાઈગર 3’ જોવા આવ્યા હતા. આ સાથે ‘ટાઈગર 3’ એ ‘દંગલ’, ‘KGF ચેપ્ટર 1’-‘KGF ચેપ્ટર 2’ અને ‘બ્રહ્માસ્ત્ર’ના ફૂટફોલના રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે સલમાન-કેટરિનાની ફિલ્મ ‘RRR’, ‘સાહો’ અને ‘પઠાણ’ જેવી ઘણી ફિલ્મોને માત આપી શકી નથી.

આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ને જાપાનમાં પહેલા દિવસે 1 લાખ 26 હજાર દર્શકો મળ્યા છે. જ્યારે ‘KGF ચેપ્ટર 1’-‘KGF ચેપ્ટર 2’ જોવા માટે 1 લાખ 9 હજાર દર્શકો આવ્યા હતા અને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા માટે 1 લાખ 1 હજાર દર્શકો આવ્યા હતા. આમ ‘ટાઈગર 3’ આ બધાથી આગળ નીકળી ગઈ છે અને જાપાનના ટોપ ઓપનરોની યાદીમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે.

જાપાનમાં ફિલ્મની રિલીઝ પહેલા જાપાની ચાહકો માટે એક સંદેશ પણ સલમાને છોડ્યો હતો. સલમાન ખાન આ વીડિયોમાં કહેતો જોવા મળ્યો હતો કે તે જાપાનમાં ફિલ્મ ટાઈગર 3ની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની રિલીઝના અવસર પર તે જાપાનમાં રહેવા ઈચ્છે છે પરંતુ હાલના દિવસોમાં આગામી ફિલ્મ સિકંદરને વ્યસ્ત છે અને હાલમાં જ 14 એપ્રિલે અભિનેતાના ઘરની બહાર થયેલી ફાયરિંગને કારણે પણ ખૂબ ચર્ચામાં છે અને તેમની સિક્યોરિટી વધુ કડક કરાઈ છે.