કેવાયસી અપડેટ નથી થયા; 1.3 કરોડ ઈન્વેસ્ટરોના ખાતા સ્થગીત

કેવાયસી અપડેટ નથી થયા; 1.3 કરોડ ઈન્વેસ્ટરોના ખાતા સ્થગીત
કેવાયસી અપડેટ નથી થયા; 1.3 કરોડ ઈન્વેસ્ટરોના ખાતા સ્થગીત

શેરબજાર-કોમોડીટી માર્કેટોમાં રીટેઈલ ઈન્વેસ્ટરોનો રસ વધ્યો છે અને રોજેરોજ રોકાણકારોની સંખ્યા વધી રહી છે ત્યારે હાલ 1.3 કરોડ ઈન્વેસ્ટરોના ખાતા વિવિધ નિયમપાલન ન થવાના કારણોસર સ્થગીત હોવાનો રિપોર્ટ જાહેર થયો છે.

કેવાયસી રજીસ્ટ્રેશન કામગીરીનું સંચાલન કરતી કેઆરએના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, સેબીમાં 11 કરોડ ઈન્વેસ્ટરો નોંધાયા છે તેમાંથી 1.3 કરોડ ખાતા સ્થગીત થયેલા છે. આ ખાતાના ઈન્વેસ્ટરો શેરબજાર, કોમોડીટી માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ કામગીરી કરી શકતા નથી. સેબીના અનેકવિધ નિયમોનું પાલન ન કરવા બદલ ખાતા સ્થગીત થયા છે. ઈન્વેસ્ટરો કેવાયસી અપડેટ કરાવીને ફરી એકટીવ કરી શકે છે.

હજારો ઈન્વેસ્ટરોએ આધાર સાથે પાનકાર્ડ લીંક કરાવ્યા નથી પરિણામે તેઓના કેવાયસી અપડેટ નથી. વિવિધ શ્રેણીના ઈન્વેસ્ટરો માટે અલગ-અલગ કેવાયસી અપડેટ કરાવવાના હોય છે. અનેક ઈન્વેસ્ટરોએ વિજળી-ટેલીફોન બીલ-બેંક ખાતાના સ્ટેટમેન્ટ મારફત કેવાયસી કરેલા છે પરંતુ સેબીના નિયમો મુજબ તે માન્ય દસ્તાવેજ નથી.

1લી એપ્રિલથી કેવાયસી કોમ્પ્લાયન્સની નવી પ્રક્રિયા લાગુ પડી છે. ત્રણ કેટેગરીમાં વિભાજન થયુ છે. માન્ય ખાતા, રજીસ્ટર્ડ ખાતા તથા સ્થગીત ખાતાઓની કેટેગરી સર્જવામાં આવી છે. પાનકાર્ડ, આધારકાર્ડ, ઈમેઈલ તથા મોબાઈલ ફોનની વિગતો ધરાવતા ખાતાધારકોને શેરબજારના વ્યવહારો કરવામાં કોઈ આરોપ નથી. રજીસ્ટર્ડ ખાતા ધરાવતા ઈન્વેસ્ટરો રોકાણ વ્યવહાર કરી શકે છે પરંતુ નવુ ડીમેટ ખાતુ ખોલાવવા કે નવા ફંડમાં રોકાણ કરવા માટે ફરી કેવાયસી પ્રક્રિયા કરવાની રહે છે.

બેંક સ્ટેટમેન્ટ, વિજ-ફોનબીલ કે આવા અન્ય દસ્તાવેજોના આધારે કેવાયસી પ્રક્રિયા માન્ય નથી એટલે ઈન્વેસ્ટરો રોકાણ વ્યવહારો-ટ્રેડીંગ કરી શકતા નથી. ખાતામાં પડેલુ ફંડ પણ ઉપાડી શકતા નથી આ માટે કેવાયસી અપડેટ કરવાનુ ફરજીયાત છે.

ભારતમાં અંદાજીત 11 કરોડ ઈન્વેસ્ટરો છે. તેમાંથી 7.9 કરોડ અર્થાત 73 ટકા માન્ય ખાતા છે અને કોઈપણ રોકાણ વ્યવહારો કરી શકે છે. 12 ટકા ખાતામાં નવા ડિમેટ ખાતા કે નવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શકય નથી.

કેવાયસી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરતી પાંચ એજન્સીઓએ સંયુક્ત નિવેદન જારી કરીને ઈન્વેસ્ટરોને પોતપોતાના ખાતાનુ કેવાયસી સ્ટેટસ ચકાસવાની સલાહ આપવામાં આવી છે. પોતાના બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડ મારફત કેવાયસીમાં સુધારા પણ કરાવી શકે છે. કેવાયસી અપડેટ થઈ જવાના સંજોગોમાં તુર્તજ તેમના ખાતામાં માહિતી જોવા મળશે.

એકથી વધુ બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડમાં ખાતા હોય તો દરેક સ્થળો કે ખાતામાં કેવાયસી અપડેટ કરાવવાની જરૂરિયાત નથી. માત્ર એક સ્થળે કેવાયસી અપડેટ કરવામાં આવે એટલે ઓટોમેટીક રીતે તમામ ખાતામાં થઈ જશે.