કઇ દવા જમતા પહેલા અને કઇ જમ્‍યા પછી લેવાની છે એ જાણવું બહુ જરૂરી છે

કઇ દવા જમતા પહેલા અને કઇ જમ્‍યા પછી લેવાની છે એ જાણવું બહુ જરૂરી છે
કઇ દવા જમતા પહેલા અને કઇ જમ્‍યા પછી લેવાની છે એ જાણવું બહુ જરૂરી છે

દવાઓને આપણે ત્‍યાં ભારે સમજવામાં આવે છે એટલે ભૂખ્‍યા પેટે એ ન જ લેવાય એવા નિયમો લોકો પાળતા હોય છે. મોટા ભાગે કોઈ પણ દવા આપણે જમ્‍યા પછી લેતા હોઈએ છીએ, પણ એ ખોટું છે. દરેક દવાનો જમતાં પહેલાં કે જમ્‍યા પછીનો નિયમ સમજવો જરૂરી છે. ઘણી વાર દરદી ગૂંચવાય નહીં એટલે ડોક્‍ટર્સ આ વસ્‍તુ સમજાવવાનું ટાળે છે, પરંતુ એને કારણે દવાની અસર અને રોગના મેનેજમેન્‍ટ પર ઘણી અસર પડે છે એ સમજવું જરૂરી છે. ખાધા પહેલાં મોટા ભાગે એ દવા આપવામાં આવે છે જે દવા પેટના એસિડને ઓછું કરે અને જલદીથી કામ પર લાગે, કારણ કે એનું એબ્‍ઝોર્બશન ઘણું સારૂં થાય. ઘણી દવા સવારે ઊઠીને લેવાની હોય તો ઘણી રાતે સૂતાં પહેલાં. આમ, દવાઓ લેવી જેટલી જરૂરી છે એટલી જ દવાને એના નિયત સમયે લેવી પણ જરૂરી છે. જે દવાની આડઅસરથી પેટની લાઇનિંગ પર અસર થાય, શરીરમાં એસિડ વધી જાય એવી દવા જમ્‍યા પછી આપવામાં આવે છે.

જેમ કે ડાયાબિટીઝની મોટા ભાગની દવાઓ ખાધા પહેલાં જ લેવાય. જે ઇન્‍સ્‍યુલિન લે છે તેમને ખબર હોય છે કે ઇન્‍સ્‍યુલિન જમ્‍યા પહેલાં લેવાની હોય છે. મોટા ભાગની દવાઓમાં પણ એ જ નિયમ લાગુ પડે છે, પરંતુ ડાયાબિટીઝની અમુક દવાઓ જેમ કે મેટફોર્મિન જમ્‍યા પછી લેવાની હોય છે. એ જ રીતે અમુક બ્‍લડપ્રેશરની દવાઓ એવી હોય છે જે જમ્‍યા પહેલાં જ લેવી સારી. એસિડિટીની દવાઓ લોકો જાણતા હોય છે કે જમ્‍યા પહેલાં જ લેવાય. એનું કારણ છે કે તો જ એ અસર કરે. જમ્‍યા પછી એની ખાસ અસર જોવા ન મળે. એસિડને કન્‍ટ્રોલ કરવો હોય તો જમ્‍યા પહેલાં જ એસિડિટીની ગોળી લેવાની. ખાસ કરીને નિયમિત આઠ-દસ દિવસ ખાવાનું કીધું હોય ત્‍યારે. ટીબીના ઇલાજમાં અમુક ગોળીઓ જમ્‍યા પહેલાં લેવાની હોય છે. જો એ ત્‍યારે લેવામાં ન આવે તો એની અસર ઘટે છે. થાઇરોઇડની દવા ખાલી પેટ લેવાની હોય છે. જો એ ખાધા પછી લો તો એની અસર પાંચ ટકા જેટલી પણ નથી બચતી.