ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે લગ્નની લાલચ આપી તરૂણી પર દૂષ્કર્મ ગુજાર્યું

ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે લગ્નની લાલચ આપી તરૂણી પર દૂષ્કર્મ ગુજાર્યું
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે લગ્નની લાલચ આપી તરૂણી પર દૂષ્કર્મ ગુજાર્યું

રાજકોટમાં તરૂણીને લગ્નની લાલચ આપી તેની ઉપર દૂષ્કર્મ ગુજારવા અંગે ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અજય રાજેશ પ્રજાપતિ (રહે. ઉજજવલ સોસાયટી શેરી નં. 1, મોરબી રોડ) વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે પોકસો, દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ તપાસ જારી રાખી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનનાર તરૂણી આજે વહેલી સવારે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહ્યા બાદ પરત આવી ત્યારે પરિવારના સભ્યોએ પૂછપરછ કરતા કહ્યું કે આરોપી સાથે તેને બે મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ થઈ હતી. જેને કારણે બંને મિત્રો બની ગયા હતા. એટલું જ નહીં અવાર-નવાર એકબીજા સાથે ફોનમાં વાતો કરતા હતા. કયારેક-કયારેક મળતા પણ હતા. આરોપીએ તેને કહ્યું હતું કે હું તને ખુબ જ પ્રેમ કરૂ છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. 

દોઢેક માસ પહેલાં આરોપીએ પરિવારના સભ્યો સુઈ ગયાનું જણાવી તેને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં જતાં આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હતો. તેના થોડા દિવસો બાદ ફરીથી ઘરે બોલાવી હતી. ફરીથી શરીર સંબંધની વાત કરતા તેણે લગ્ન પછી કહ્યું હતું. આ વખતે આરોપીએ કહ્યું હતું કે આપણે લગ્ન કરવાના જ છે. એટલે તું ચિંતા ના કર. બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આજે વહેલી સવારે ફરીથી તેને પોતાના ઘરે બોલાવી હતી. તે વખતે આરોપીએ કહ્યું કે હવે તારી ઉંમર પુરી થાય એટલે આપણે લગ્ન કરી લઈશું, હું તારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરૂ તેમ કહી ફરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.  પુત્રી પાસેથી માહિતી મેળવ્યા બાદ વાલીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે તરૂણીના પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો હતો.