હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ સ્વખર્ચે સરકારી શાળા બનાવી પત્નીનો જન્મ દિવસ ઉજવ્યો

ગુજરાતના હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ અનોખી રીતે પત્નીનો જન્મદિવસ ઊજવ્યો હતો. ડો. જગદીશ ત્રિવેદીએ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં એક સરકારી પ્રાથમિક શાળા પાયામાંથી નવી બનાવી છે. એ શાળાને પત્ની નીતાબહેનનું નામ આપ્યું અને શાળાનું પત્નીના જન્મદિવસે ઊદ્ઘાટન કરી પત્નીને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી. આ શાળાનાં ઊદ્ઘાટક અને એસજીવીપી – સંસ્થા -અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે જગદીશના વસ્ત્રો જેવો જ ઊજળો એનો વાનપ્રસ્થ છે.

ડો. જગદીશ ત્રિવેદીએ આ ઐતિહાસીક શાળા વિશે માહિતી આપતા કહૃાું હતું કે આ શાળા ૧૫૬ વર્ષ પહેલા હળવદના રાજવી રમણલસિંહજીએ પોતાના દરબારગઢમાં તા. ૨૦ ફેબ્રુઆરી ૧૮૬૫ના રોજ શરુ કરી હતી. ત્યારબાદ ૧૬ જૂન ૧૯૫૬માં તત્કાલિન ધારાસભ્ય લાભશંકર મગનલાલ શુક્લ તરફથી જમીનનું દાન મળતાં સરકારે શાળા બનાવી હતી. જેનું ભૂમિપૂજન ભુદાનયજ્ઞનાં પ્રણેતા મહાત્મા વિનોબાજીએ કર્યું હતું. આ શાળાનાં પટાંગણમાં હળવદ તાલુકાનાં તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ સાથેનો સ્મૃતિસ્તંભ પણ વરસોથી ઊભો છે.

આવી ઐતિહાસીક શાળા ૬૫ વર્ષ બાદ જર્જરીત થતાં મને ૨૦૨૦માં નવું ભવન બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને એ શાળાને મારા પત્નીનું નામ મળ્યું એ અમારા પરિવારનું અહોભાગ્ય છે. આ પ્રસંગે વિવેકગ્રામ – માંડવી કચ્છ દ્રારા પ્રકાશિત ડો. જગદીશ ત્રિવેદીનાં બે પુસ્તકોનું વમોચન પણ કરવામાં આવ્યું હતું. આ સમારંભના મુખ્યઅતિથિ તેમજ વિશ્ર્વવિખ્યાત હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પોતાની લાક્ષણિક શૈલીમાં કહૃાું હતું કે મને કોઈ પૂછે કે હાસ્યક્ષેત્રમાં આપનું શું પ્રદાન છે ? તો હું ગૌરવથી કહીશ કે જગદીશ ત્રિવેદી મારું પ્રદાન છે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઊપસ્થિત પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે જગદીશ ત્રિવેદી સામાન્ય માણસમાંથી ઉદાર સમાજસેવક થયો એ વિકાસ અભિનંદનીય છે.