સોમનાથ નજીક ૨૧ કરોડના ખર્ચે બનાવવામાં આવશે પાર્વતી મંદિર

સોમનાથ: સોમનાથ તીર્થ ધામમાં ભાવિકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઊમેરો કરવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય શક્તિપીઠ પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર રૂપિયા ૨૧ કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે લીધો છે.ટ્રસ્ટના દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલ દ્વારા આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોમનાથ હરિ અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નિજધામ ગયાં તે મંદિર છે. તો તાજેતરમાં ભવ્ય રામમંદિર પણ બન્યું, પરંતુ અહીં માતાનું ભવ્યતાપૂર્ણ મંદિર નહોતું. જેથી સોમનાથ ટ્રસ્ટે તાજેતરમાં સોમનાથ મંદિર પરિસરમાં જ પાર્વતી માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે.

રૂપિયા ૨૧ કરોડના ખર્ચથી સફેદ માર્બલનું ભવ્ય શક્તિપીઠ સમું પાર્વતી માતાજીનું મંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી માઈભક્તોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે, ત્યારે સોમનાથ શિવ અને શક્તિની ઉપાસના એકસાથે થઈ શકશે. આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. દિવંગત ચેરમેન કેશુભાઈ પટેલના આ નિર્ણય બદલ લોકો તેમને યાદ કરીને સન્માન આપી રહૃાાં છે, ત્યારે સોમનાથ તીર્થમાં આવનારા ભાવિકોને હવે શક્તિપીઠમાં માતા પાર્વતીજીના દર્શન કરવાનો ધન્ય અવસર મળશે. સોમનાથ તીર્થમાં અનેક વિકાસકાર્યો ધમધમી રહૃાાં છે. જેમાં પાર્વતી મંદિરનો પણ ઊમેરો થશે.