સુરતમાં એક જ દિવસમાં ઓનલાઇન ફ્રોડના ૨૫ ગુના નોંધાતા લોકોમાં ભય

કોરોના પછી શહેરમાં ઓનલાઈન ફ્રોડનું પ્રમાણ વધ્યું છે. જયારે સુરત શહેરમાં તો હદ જ વટાવી નાખી છે. એક જ દિવસમાં ૨૫ જેટલા ગુના સામે આવ્યા છે. પોલીસે આઈટી એકટ હેઠળ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. શહેરના વેપારી, નોકરીયાત અને વિદ્યાર્થી દ્વારા ફરિયાદો કરવામાં આવી છે.

સુરત શહેર પોલીસે મંગળવારે એક જ દિવસમાં ૨૫ જેટલા ઓનલાઈન ફ્રોડના ગુના નોધયા છે. આ તમામ ગુનાઓમાં કુલ આશરે ૨૦ લાખથી વધુની મત્તાની ઓનલાઈન ઉચાપત કરવામાં આવી છે. તમામ કેસોમાં ફરિયાદોએ ૨-૩- મહિના પહેલા પોલીસમાં અરજીઓ રજૂ કરી હતી, પરંતુ મંગળવારે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.

પોલીસના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે રજૂ કરેલી અરજીઓની પ્રાથમિક તપાસ ચાલુ હોવાથી ફરિયાદો અગાઉ નોંધાઈ ન હતી.

પોલીસના જણાવ્યા મુજબ બહુમતી ફરિયાદોમાં આરોપીએ ગુગલ પે જેવી યુપીઆઈ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ફરિયાદીને ફસાવ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં મોડસ ઓપરેન્ડી એક સમાન રહી છે. તમામ કેસમાં ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે, ચુકવણી મેળવવા માટે તેણે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે. જો કે, ફરિયાદી દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરતાની સાથે જ તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ ગયા હતા.