વડોદરામાં વોર્ડ ૮થી જીતેલા ઉમેદવારનું કોર્પોરેટર પદ રદ્દ કરવાની માંગ સાથે કોર્ટમાં પિટિશન

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોતરફ ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં વોર્ડ નંબર ૮થી વિજેતા થયેલા ભાજપના ઉમેદવારની જીતને કોર્ટમાં પડકારવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર ૮માંથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાની જીત થઈ હતી. હવે કેયુર રોકડિયા સામે ચૂંટણી લડેલા અપક્ષ ઉમેદવાર સ્વજલ વ્યાસે તેમનું કોર્પોરેટર પદ રદ્દ કરવા માટે અને ચૂંટણી અધિકારી પર કાર્યવાહી કરવાની માંગ કરતી પિટિશન પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાં કરી છે.

અરજદાર અપક્ષ ઉમેદવાર સ્વજલ વ્યાસનો આરોપ છે કે, કેયુર રોકડિયાએ ચૂંટણી લડતા પહેલા નિયમન કમિટીમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તેને મંજૂર નહતું કરવામાં આવ્યું. નિયમ મુજબ, ચૂંટણી લડી રહેલ ઉમેદવાર કોઈ પદ પર કાર્યરત ના હોવો જોઈએ. આ મામલે ૮ ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી સમયે પણ વાંધા અરજી પણ આપી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ ધ્યાન નહતું આપ્યું.

આથી આવા ચૂંટણી અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કેયુર રોકડિયાનું કોર્પોરેટર પદ રદ્દ કરવાની અમારી માંગ છે. જો કે બીજી તરફ કેયુર રોકડિયાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે.