રાજ્યમાં નવા ૧૬૪ સીએનજી સ્ટેશન કાર્યરત થશે

મુખ્યમંત્રીએ સીએનજી સહયોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

સમગ્ર વિશ્ર્વ માટે હવાનું પ્રદુષણ એક મોટો પડકાર બની ગયું છે. એમાં પણ શિયાળાની શરૂઆત સાથે જ પ્રદુષણ વધી જતું હોય છે. આવા સમયે ગુજરાતમાં પ્રદુષણમુક્ત અને પર્યાવરણપ્રિય સીએનજી ગેસના વ્યાપક ઉપયોગ કરવા માટે વધુ એક પહેલ કરી છે. આ કડીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે.

આ માટે ૧૬૪ નવા સીએનજી સ્ટેશન્સ કાર્યરત કરવા માટેના લેટર ઑફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો. ગુજરાતમાં ૨૩ વર્ષમાં ૫૪૨ સીએનજી સ્ટેશન સામે પાછલા બે જ વર્ષમાં નવા ૩૮૪ સીએનજી સ્ટેશન ઊભા થયા છે. એટલે કે હવે રાજ્યમાં વાહન વાહનચાલકોને સરળતાએ સીએનજી ગેસ મળી રહેશે. આવું પગલું ભરીને ગુજરાતે સમગ્ર દેશને પર્યાવરણપ્રિય ઇંધણ-યુઅલના ઉપયોગની નવી દિશા બતાવી છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર દૃેશના કુલ ૨૩૦૦થી વધુ સીએનજી સ્ટેશનના સૌથી વધુ ૬૦ ટકા એટલે કે ૬૯૦થી વધુ સીએનજી સ્ટેશન્સ ગુજરાતમાં આવેલા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ વોર્મિંગ-પ્રદુષણના પડકાર સામે ઝિરો ટોલરન્સની નેમ વ્યક્ત કરી હતી.

આ સાથે સીએનજી વાહનોના વધુ ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ જારી રાખવાનો નિર્ધાર કર્યો હતો. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર ૯૦૦ સીએનજી સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.