રાજકોટ: ત્રણ દિવસ સુધી મગફળીની આવક યાર્ડમાં બંધ રહેશે, રવિવારથી આવક શરૂ કરાશે

બે દિવસમાં બાકી મગફળીનો નિકાલ થયા બાદ નવી મગફળીની આવક શરૂ કરાશે

વરસાદી વાતાવરણને હિસાબે યાર્ડમાં મગફળીની આવક મર્યાદિત રાખવામાં આવી રહી છે. બુધવારે 50 હજાર ગુણીની આવક થઇ હતી. જેમાંથી માત્ર 20 હજાર ગુણી જ મગફળી વેચાઈ છે. જ્યાં સુધી બાકીની મગફળી વેચાઇ નહીં જાય ત્યાં સુધી આવક બંધ રાખવામાં આવશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇને અને મજૂરો એક દિવસ રજા રાખવાના હોવાથી શનિવાર સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવશે.રવિવારે સાંજે 8.00 કલાકેથી આવક શરૂ કરી દેવામાં આવશે. જે સોમવારે સવારે 8.00 સુધી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ તેની હરાજી કરવામાં આવશે. વરસાદમાં મગફળી પલળી ન જાય તે માટે ઊભા પાલમાં જ ખેડૂતોની મગફળી સ્વીકારવામાં આવે છે અને તે ઊભા પાલમાં જ હરાજી કરવામાં આવે છે. ગુરુવારે બાકી રહેલી 30 હજાર ગુણીમાંથી 5 હજાર ગુણી મગફળી વેચાઈ હતી. બે દિવસમાં આ બાકી મગફળીનો નિકાલ થયા બાદ નવી મગફળીની આવક શરૂ કરવામાં આવશે.

ભેજવાળી મગફળી આવતી હોવાથી ઓઇલમિલરો ખરીદ કરતા નથી. જે ખરીદ કરે છે તેને પહેલા સૂકવવી પડે છે અને ત્યારબાદ તે પિલાણમાં લે છે. અત્યારે બેડીયાર્ડમાં દૈનિક 50 થી 60 હજાર ગુણી મગફળીની આવક થાય છે. પરંતુ દશેરા પછી આવક બમણી થશે તેવો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.