રાજકોટમાં વિશ્ર્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સાઇક્લોફન, વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ

રાજકોટમાં યોજાયેલા સાઇક્લોફનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા

દેશભરના સાઇકલિસ્ટ જેટલા કિમી સાઇકલ ચલાવે તેટલા રૂપિયા ગરીબ દર્દીની દવામાં વપરાશે

રાજકોટ શહેરમાં આજે વ્યક્તિ કરતા વધુ વાહનોની સંખ્યા વધુ હોવાથી પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબ દ્વારા બીડું ઝડપી શહેરીજનો સાઈકલ ચલાવવા પ્રત્યે પ્રેરાય તે માટે સાઈકલોફનનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ આ વર્ષે સતત પાંચમી વખત સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ સહિત દેશમાં કોરોનાની કપરી પરિસ્થિત પ્રવર્તી રહી હોવાને કારણે આ વખતની સાઈકલોફનને વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સાઇક્લોફનને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજકોટ સાઇક્લોફનને ઞઊંમાં સ્થાન મળે તેવી શક્યતા છે. દેશભરના સાઇકલિસ્ટ જેટલા કિમી સાઇકલ ચલાવે તેટલા રૂપિયા ગરીબ દર્દીની દવામાં વપરાશે.

આજે આખો દિવસ ચાલનારી આ સાઈકલોફનમાં ભાગ લેવા માટે રાજકોટ સહિત દેશ-વિદેશના સાઈકલીસ્ટોએ અદમ્ય ઉત્સાહ દાખવતાં આયોજકોમાં પણ નવા જોમનો સંચાર થવા પામ્યો છે. આયોજકોએ જણાવ્યું હતું કે રાજકોટમાં વિશ્વની સૌથી મોટી સાઈક્લોફન યોજાઇ છે અને તેમાં વિદેશી સાઈકલીસ્ટો પણ ભાગ લઇ રહ્યાં છે. સાઇકલ ક્લબ દ્વારા દેશના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં નિયુક્ત કરાયેલા 100થી વધુ સાઇકલ એમ્બેસેડર પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ દેશભરમાંસાઈક્લોફન-રાજકોટનો પ્રચાર અને પ્રસાર કરશે.

રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા આજે વર્ચ્યુઅલ સાઇક્લોફન-2021નું આયોજન કરાયું છે. જ્યાં સ્પર્ધકોને સ્વાસ્થ્યની સાથે જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવાનો પણ લાભ મળશે. આ સાઇક્લોફનની વિશેષતા એ છે કે પ્રતિકિલોમીટર જે સ્પર્ધકો સાઇકલ ચલાવશે તેમને રોટરી ક્લબ અને બાન લેબ્સ તરફથી પ્રતિકિલોમીટર રૂ.1ની દવા આપવામાં આવશે. એટલે કે જો સ્પર્ધકો 1 લાખ કિ.મી. સાઇકલ ચલાવશે તો તેના વળતર સ્વરૂપે રૂ.1 લાખની દવા રોટરી ક્લબને આપવામાં આવશે. જેને જરૂરિયાતમંદ લોકોને અપાશે. આ સાઇક્લોફનની માર્ગદર્શિકા એવી છે કે, ભાગ લેનાર સ્પર્ધકે આજે પોતાના ઘર આસપાસ સાઇકલ ચલાવવાની રહેશે. મેડલ આપવું એ સ્પર્ધકો દ્વારા ચૂકવવામાં આવતી આવશ્યક ફીને આધીન છે. સવારી પૂર્ણ કરનારા દરેક સ્પર્ધકને ઈ-સર્ટિફિકેટ મોકલાશે. સાઇક્લોફન સંબંધિત જાણકારી મેળવવા માટે રોટરી ક્લબ લાઇબ્રેરી, અમીનમાર્ગ પર સંપર્ક કરી શકાશે. રાજકોટવાસીઓ સાઇકલ તરફ પ્રેરિત થાય તે હેતુથી સાઇક્લોફનની 5મી સિઝનનું આયોજન કરાયું છે. રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે 100 કિલોમીટરની કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી તેઓ આજે 100 કિલોમીટર સાઈકલ ચલાવી રહ્યાં છે. આ ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ સહિતના લોકો આ સાઈક્લોફનમાં ભાગીદાર થઈને શહેરને પ્રદૂષણમુક્ત અને જરૂરિયાતમંદ લોકો સુધી ડોનેશન પહોંચાડવાની આ ઝુંબેશમાં સહભાગી બની રહ્યા છે.

રાજકોટમાં યોજાયેલા સાઇક્લોફનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ રોટરી ક્લબ ઓફ મીડટાઉન અને રાજકોટ સાઇકલ ક્બલ દ્વારા સાઇક્લોફનનું આયોજન કરવામાં આવે છે તે બદલ તેને અભિનંદન આપુ છું. દર વર્ષે વધુને વધુ સાઇકલિસ્ટો સાઇકલફ્લોફનમાં જોડાઇ રહ્યાં છે. આ વખતે આખા દેશના સાઇકલસવારો જેટલા કિલોમીટર સાઇકલ ચલાવે તેટલા રૂપિયાની દવા ગરીબ દર્દીઓને આપવાની રોટરી ક્લબની નવી પ્રેરણા છે. એક સાઇકલ સવાર સાઇકલ ચલાવશે તેનાથી 2 વ્યક્તિના સ્વાસ્થ્યને લાભ થશે.