રાજકોટના રૂખડીયાપરાનો કરૂણ બનાવ

રાજકોટના રૂખડીયાપરાનો કરૂણ બનાવ
રાજકોટના રૂખડીયાપરાનો કરૂણ બનાવ

પિતાએ કેટરર્સના કામમાં જવાની ના પાડતાં 18 વર્ષની શકીનાનો ગળાફાંસો ખાઈ આપઘાત

પરિવાર મજૂરીકામે ગયાં બાદ બપોરના સમયે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું: દાદાએ રૂમનો દરવાજો ખુલો હોવાથી તપાસ કરતાં પૌત્રી લટકેલી હાલતમાં જોવા મળી: પરિવારમાં અરેરાટી: પોલીસ દોડી ગઈઆજના સમયમાં યુવક-યુવતીઓની સહનશીલતા ટૂંકી થઈ ગઈ હોય તેમ સામાન્ય વાતમાં પણ પોતાની અમૂલ્ય ઝીંદગીનો અંત આણતાં ખચકાતા નથી. ત્યારે રાજકોટના રૂખડીયાપરામાં કરૂણ બનાવ સામે આવ્યો હતો. પિતાએ કેટરર્સના કામમાં જવાની ના પાડતાં 18 વર્ષની શકીનાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના રૂખડીયાપરામાં હજીપીરની દરગાહ પાસે રહેતાં શકિનાબેન સિકંદરભાઈ (ઉ.વ.18) ગઈકાલે સવારે તેમના પરિવારજનો કામ પર ગયાં બાદ બપોરના સમયે પોતાના રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દરમિયાન બાજુમાં રહેતાં યુવતીના દાદાએ રૂમનો દરવાજો ખુલ્લો જોતાં તેઓ ત્યાં દોડી જોઈ તપાસ કરતાં પૌત્રી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો અને પરિવારને જાણ કરી 108 ને જાણ કરતા દોડી આવેલ 108 ની ટીમે યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી.

બનાવ અંગે પ્ર. નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી.કે.પઢીયાર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવતી ધો.10 સુધીનો અભ્યાસ કર્યા બાદ કેટરર્સના કામમાં જવા લાગી હતી. જે બાબતે તેણીના પિતાએ બે દિવસ પહેલાં કેટરર્સમાં કામે જવાની ના પાડી હતી. જે બાબતનું તેણીને માઠુ લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક ત્રણ બહેનમાં વચ્ચેટ હતી. બનાવથી પરિવારમાં આક્રંદ સાથે ગમગીની છવાઈ હતી.