મોરબીમાં ફફડાટ: બે હત્યા, પરપ્રાંતિય યુવકની ઢોર માર મારી હત્યા કરાઇ

કારખાનામાં સુપરવાઈઝરે શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો

મોરબીમાં હત્યાના બે બનાવોમાં બે વ્યક્તિના મોત થયાં છે. મોરબીના ભડીયાદ ગામ નજીક આવેલા સીરામીક કારખાના પાસે યુવાનની લાશ મળી આવતા તાલુકા પોલિસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલિસે યુવાનની હત્યા કરવાના બનાવમાં બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલિસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સવારના સમયે ૧૧ વાગ્યાની આસપાસ મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલા વિટ્રીફાઇડ કારખાનાના ગોડાઉન પાસે ખુલ્લી જગ્યામાં મનોજભાઇ માધુરસીંગ પરમાર નામના પરપ્રાંતિય યુવાનની લાશ પડી હોવાની જાણ થતા મોરબી તાલુકા સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલિસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરતા મૃતક યુવાનના શરીરના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. આથી પોલિસે આ બનાવનું કારણ જાણવા મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃતક યુવાનનું મોત ઢોર માર મારવાથી થયું હોવાનું ખુલતા પોલિસે આ બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધ્યો છે. પોલિસની પ્રાથમિક તપાસમાં બલરામ રમેશભાઇ આદીવાસી અને રાયસંગ અમરસંગ નામના બે શખ્સોએ આ યુવાનની માર મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પોલિસે હાલ આ બનાવની ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી યુવાનની હત્યા પાછળનું સાચુ કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

વાંકાનેર ભાયાતી જાંબુડીયા ગામે આવેલા મીનરલ્સ કારખાનામાં સુપરવાઇઝર અને શ્રમિક વચ્ચે સામાન્ય બાબતે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં શ્રમિકે પાણીની મોટર કાઢવાનો ઈનકાર દેતા આ સામાન્ય બાબતે સુપરવાઇઝર એટલી હદે ખુન્નસે ભરાયો હતો કે, ગુસ્સાના આવેગમાં સારા-નરસાનું ભાન ગુમાવીને સુપરવાઇઝરે છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકીને શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં વાંકાનેર પોલિસે મૃતકના ભાઇની ફરીયાદ પરથી આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.