મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુખ્યમંત્રી રૂપાણી-CM-CORPORATE
મુખ્યમંત્રી રૂપાણી-CM-CORPORATE

યુ.એન.મહેતા હોસ્પિટલ દોડી જતા અનેક કેબીનેટ મંત્રીઓ, સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોના પોઝિટિવ : ભાજપમાં ફફડાટ ફેલાયો, જે સંપર્કમાં આવ્યા એ બધાના રિપોર્ટ કરાશે

આજે સવારે RT-PCR રિપોર્ટ પોઝિટિવ : મુખ્યમંત્રીના બુધવાર સુધીના તમામ કાર્યક્રમો રદ

અન્ય તમામ રીપોર્ટ નોર્મલ રહયા : હજુ 24 કલાક તબીબી નીરીક્ષણ હેઠળ રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. તેના પગલે મુખ્યમંત્રીના બુધવાર સુધીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કેબીનેટ મંત્રીઓ હોસ્પિટલ દોડી ગયા છે. ભાજપની છાવણીમાં અને કાર્યકરોમાં ભારે ચીંતાનું મોજું પ્રસરી વળયું છે. મુખ્યમંત્રીની તબીયત અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે હોસ્પિટલ ખાતે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની તબીયત હાલ સ્થિર છે ચીંતાનું કોઇ કારણ નથી.

મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા યુ.એન.મહેતા હોસ્પિટલના વડા અને ટોચના તબીબોએ આજે સવારે હેલ્થ બુલેટીન બહાર પાડયું હતું. જેમાં જણાવ્યું હતું કે, આજે સવારે મુખ્યમંત્રી રૂપાણીનો RT-PCR કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ હોવાનું માલુમ પડયું છે. આથી તાત્કાલીક કોરોનાની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હેલ્થ બુલેટીનમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના ઇકો, પીસીજી સહિતના તમામ રિપોર્ટ નોર્મલ રહયા છે.

સીટીસ્કીન રીપોર્ટ પણ નોર્મલ રહયો છે. મુખ્યમંત્રીને ત્રણ દિવસથી સામાન્ય તાવ હતો. પરંતુ એમણે ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો હતો. ગઇકાલે વડોદરામાં તેઓ જે સભામાં ચક્કર ખાઇને ઢળી પડયા હતા એ એમની વડોદરા શહેરની જ ત્રીજી સભા હતી. તબીબોએ જણાવ્યું હતું કે, હાલ એમની તબીયત સ્થિર છે હજુ 24 કલાક એમને સતત તબીબી નીરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દરમ્યાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુભાઇ દલસાણીયા પણ કોરોના પોઝિટિવ થઇ ગયા હોવાનું જાહેર થતા ભાજપમાં ભારે ફફડાટ ફેલાયો છે.