ભાવનગરમાં સંતાનોના લગ્નની કંકોત્રી આપવા નીકળેલાં આધેડનું વાહન અક્સ્માતમાં મોત

સંતાનોના લગ્નની કંકોત્રી દઇ ઘરે પરત ફરતાં ગારિયાધારના આધેડને માળીયા ગામ નજીક આઇશરે અડફેટે લેતાં તેમનું સારવારમાં મોત નિપજતાં લગ્નનો પ્રસંગ માતમમાં છવાયો હતો. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગામના જ આઈશર ચાલક વિરૃદ્વ ગુન્હો નોંધ્યો હતો. બનાવ અંગેની વિગત એવી છે કે, ગારિયાધારના પંચમુખ હનુમાનજી સામે રહેતા દિનુભાઇ વાઘેલા તેમના પુત્ર-પુત્રીના આગામી તા.૧૦-૧૧ માર્ચના રોજ યોજાનાર લગ્નની કંકોત્રી દેવા માટે બજાજ ડિસ્કવર મોટર સાયકલ લઈને પાલિતાણા બાજૂ સગા-વ્હાલાને કંકોત્રી આપવા ગયા હતા. જયાંથી રાત્રીના સુમારે ઘરે પરત ફરતા હતા.

ત્યારે, માળીયા ગામના પાટિયા પાસે ગારિયાધારના આઈશર ચાલક ચીથર કોળીના વાહન સાથે તેમનો અક્સ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માત સર્જીને ચાલક નાસી છૂટયો હતો. તો, બીજી તરફ,ગંભીર હાલતે દિનુભાઇને સારવાર અર્થે પલિતાણા ખસેડાયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાય તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. ‘બનાવ અંગે મૃતકના પુત્ર વિપુલભાઇએ ઉક્ત આઈશર ચાલક વિરૃદ્વ પાલિતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.