બહુચરાજી માતાજીને પહેરવાયો અંદાજિત ૩૦૦ કરોડનો નવલખો હાર

ઈતિહાસમાં પહેલીવાર કોરોનાને કારણે ન નીકળી પાલખીયાત્રા

સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા મહેસાણાના બેચરાજી સ્થિત બહુચરાજી મંદિરે માતાજીને આજે અમૂલ્ય એવો નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો. આમ તો દર વર્ષે આજે માતાજીને હાર પહેરાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળતી હોય છે. પરંતુ ઇતિહાસમાં પહેલીવાર આ પરંપરા આજે તૂટી છે. પાલખી યાત્રા રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને નવલખો હાર થોડી વાર માટે પહેરાવીને પરંપરા સાચવવામાં આવી હતી. આ હાર વર્ષમાં માત્ર બે વાર જ દશેરા અને બેસતા વર્ષે માતાજીને પહેરાવાય છે.

આ હારની અંદૃાજિત કિંમત ૩૦૦ કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર બહુચરાજીના મધ્યમાં આવેલું છે. જ્યાં ચાર બુરજ અને ૩ વિશાળ દ્વાર સાથે ભવ્ય કિલ્લાનું નિર્માણ વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઇ.સ.૧૭૮૩માં કરાવ્યું હતું. બહુચરાજી નજીક ૫૨૦૦ વર્ષ જૂનું શંખલપુર ગામે માતાજીનું આદ્ય સ્થાનક છે. આ બંને મંદિર વર્ષોથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહૃાુ છે. આ મંદિરમાં માતાજીને નીત નવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે.

થોડા વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજિત કીમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે ભક્તોની ભીડ ના થાય અને સંક્રમણ ના ફેલાય તે માટે આ પરંપરા ઇતિહાસમાં પહેલી વખત રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને હાર થોડી વાર માટે પહેરાવીને પરંપરા સાચવવામાં આવી હતી.