પાટણમાં પોલીયો રસીકરણ માટે ૨૫૦થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં બે બુથ ઉભા કરાશે

નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર પોલીયો રસીકરણ માટે આયોજનની સમિક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આગામી તા.૧૭ જાન્યુઆરી,૨૦૨૧ના રોજથી શરૂ થનાર પલ્સ પોલીયો રસીકરણ માટે ૧.૮૦ લાખ બાળકો નોંધાયેલા છે. જે તમામને રસી આપી શકાય તે માટે જિલ્લામાં ૮૯૭ બુથ, બસ સ્ટેશન અને બજાર જેવા વિસ્તારોમાં ૫૯ ટ્રાન્ઝીટ પોઈન્ટ ઉપરાંત ઈંટભઠ્ઠા, અગરીયા વિસ્તાર, માઈગ્રેટરી સાઈટ, રોડની આજુબાજુના વિસ્તારોના કામદારના બાળકોના રસીકરણ માટે ૨૦૮ જગ્યાઓએ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીયો રસીકરણના ગત રાઉન્ડ જાન્યુઆરી, ૨૦૨૦માં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના કુલ ૧.૮૭ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. તા.૧૭ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પ્રથમ દિવસે તમામ બુથ પર તથા તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા દરેક ઘરોની મુલાકાત લઈ રસીકરણ માટે બાકી બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. કોરોના વાયરસ મહામારીને ધ્યાને રાખીને પોલીયોની રસી માટેના બુથ પર વધુ ભીડ એકઠી ન થાય તે માટે ૨૫૦થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વેક્સિનેશન બુથને સ્પ્લીટ કરી બે મીની બુથ તૈયાર કરવામાં આવશે.

પાટણ જિલ્લાના જન્મથી ૦૫ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસીકરણમાં આવરી લેવાય અને એકપણ બાળક પોલીયો રસી પીવડાવવાથી વંચિત ન રહે તે હેતુથી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વહિવટી તંત્રના સંલગ્ન વિભાગો અને સ્વૈચ્છીક સંસ્થાઓનો સહકાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.આર.ટી.પટેલ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસર, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ચીફ ઑફિસરઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, રૉટરી ક્લબના ટ્રેનર તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.