નારણપુરાના સુરમ્ય એપાર્ટમેન્ટમાં વધુ એક વખત પાણીની ટાંકી તૂટી

કોઇ જાનહાનિ નહીં પરંતુ રહીશો પાણી વિના ટળવળશે

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ૧૩૨ રીંગ રોડ પરના જયમંગલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે આવેલા સુરમ્ય એપાર્ટમેન્ટના બ્લોક નં. ૧૧માં આજે સવારે ૫ હજાર લિટરની પાણીની ટાંકી કકડભૂસ થઇને તૂટી ગઇ હતી. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. પરંતુ પાણીની ટાંકી તૂટવાના કારણે ચોતરફ નદીઓ વહેવા લાગી હતી. અને બ્લોકના રહીશો પાણી વિના ટળવળે તેવી સ્થિતિ સર્જાઇ હતી. અગાઉ આ જ એપાર્ટમેન્ટમાં બીજા બ્લોકની પાણીની ટાંકી તૂટી હતી. જેથી આ એપાર્ટમેન્ટ તથા તેની બાજુના અમર એપાર્ટેન્ટમાં રિડેવલપમેન્ટની સ્કિમ લાગુ કરવામાં આવી હતી. આજે બે વર્ષ ઉપરાંતનો સમય જવા છતાં પત્તું પણ હલ્યું નથી. અને રહેવાસીઓ જર્જરિત બનેલા ફલેટોમાં જોખમ ઉપાડીને રહે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સોલા રોડ પર ૩૫ જેટલી સ્કિમો બનાવી હતી. આ સ્કિમો પૈકીના સુરમ્ય એપાર્ટમેન્ટમાં ૧૬ બ્લોકમાં ૧૮૦ મકાનો આવેલા છે. દરેક બ્લોકમાં ૧૨ ફલેટો છે. આ ફલેટો પૈકી બ્લોક નં. ૧૧માં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ ૫ હજાર લીટરની ટાંકી તૂટી ગઇ હતી. ગ્રાઉન્ડ ફલોરમાં ૫ હજાર લિટરની અન્ડર ગ્રાઉન્ડ ટાંકી છે. તેમાંથી પાણી ઉપરની ટાંકીમાં ચઢાવવામાં આવે છે. આજે સવારે એકાએક ધાબા પરની ટાંકી તૂટી જતાં પાણી રોડ પર ફરી વળ્યું હતું. જો કે આ ટાંકી તૂટવાના કારણે કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થઇ નથી.