જામનગર ખેતી બેંકના બે કર્મચારી સામે ૨ કરોડની ઉચાપતની ફરિયાદ

જામનગર ખેતી બેંકના ખાતેદાર ખેડૂતોના ધિરાણની રકમની ઉચાપત કર્યાની બેંકના જ બે કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.બંને કર્મચારીઓએ છેલ્લા છ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણની રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલ ખેતી બેંકમાંથી આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેની વિગત મુજબ, અહી બેંકમાં ફરજ બજાવતા દિપકરામ જુગતરામ ભટ્ટ રહે.રોયલ ગ્રીન સોસાયટી ગાંધી ચોક પી.જી.વી.સી.એલ. ની પાછળ ધ્રોલ જી.જામનગર તથા અને સહેન્દ્રિંસહ વિક્રમિંસહ ઝાલા રહે.શીવશક્તી તીલજી પાર્ક શેરી.નં.૬ બ્લોક.નં.૮ ગુંજન વિહારની સામે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા બંને કર્મચારીઓએ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ સુધીના છ વર્ષના ગાળામાં એક બીજાથી મેળાપીપણુ કરી ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બેંકના પ્રમાણપત્રો બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યોબંને કર્મચારીઓએ બેંકના રેકર્ડમાં ચેકચાક, સુધારા વધારા કરી બેંકના સીરીયલ નંબર વાળા, સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો (દાખલા), ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી દીધા હતા.

ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો(દાખલા) આપી તેમાં સહી-સીક્કાઓ કરી ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો ખોટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ઉચાપત કરી છે. પોલીસે બંને કર્મચારીઓ સામે ૨ કરોડ ૪ લાખ ૨૧ હજાર રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધી છે. બેંકના મેનેજર વીરજી પ્રતાપજી ઠાકોરે બંને કર્મચારીઓ સામે આર્થિક કૌભાંડ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.