ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નામે ફેક આઈડી બનાવી ભેજાબાજે માંગ્યા રૂપિયા

આજકાલ ૨૧મી સદીના ટેકનોલોજીના જમાનામાં ફેક આઈડી બનાવવું સામાન્ય બની ગયું છે અને ફેક આઈડીથી ઘણા નાના મોટા ક્રાઈમને અંજામ આપ્યા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નામે ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ફેસબુક આઈડી બનાવીને લોકો પાસેથી રૂપિયા માંગ્યા છે. આ ઘટનાની જાણ થતાં ફેક આઈડી બનાવનારા સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું ફેક ફેસબુક આઇડી બનાવવામાં આવ્યું છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આઇડી બનાવી લોકો પાસેથી પૈસા માગ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

કેટલાક અસામાજિક તત્વોએ રાજકારણી નેતાનો ફાયદો મેળવવા માટે ફેસબુક પર રાજેંદ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે આઈડી બનાવ્યુ હતું. તેમને ત્યારબાદ કેટલાંક લોકોને મેસેજ કરી પૈસા માંગ્યા હોવાનુ ધ્યાને આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ફરીયાદ માટે તજવીજ હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવનારા સામે પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબના નામે પૈસા પડાવવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર મારું ફેક આઈડી બનાવીને મારી પ્રતિભા બગાડવાનું કાવતરું છે.

સુખચંદ ચૌધરી નામના શખ્સે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. મારા નામે કાર્યકરો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. વિધાનસભા સત્રનો પ્રારંભ થાય તે પહેલાં મારા વિરુદ્ધ કાવતરું કરાયું છે. જે શખ્સે ફેક આઈડી બનાવ્યું છે તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓ આચર્યા છે. આ ઘટના મુદ્દે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. મારા નામે કોઈને પૈસા નહી આપવા પણ નાગરિકોને અપીલ કરી છે.